મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ શાસનનાં 4 વર્ષ પૂરાં

Wednesday 17th September 2025 05:59 EDT
 
 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 13 સપ્ટેમ્બરે તેમના શાસનનાં ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ 4 વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણનાં રહ્યાં છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત રિન્યુએબલ એનર્જી, સેમિકંડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવાં ઊભરતાં ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે. વીતેલા ચાર વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો અને સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું મજબૂત ઉદાહરણ આપ્યું છે.
15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્રભાઇએ અમદાવાદની ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 1987માં તેઓ ભાજપમાં જોડાયા અને ત્યારથી તેમની રાજકીય સફર શરૂ થઈ હતી. 1995-96માં તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા હતા. તેમણે 1999-2000 સુધી પહેલી ટર્મ અને 2004-2006 સુધીની બીજી ટર્મમાં મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી. 2010-2015 દરમિયાન થલતેજ વોર્ડના કાઉન્સિલર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે બિરાજમાન હતા. 2015-2017 દરમિયાન તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના ચેરમેન તરીકે સેવાઓ આપી અને વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
13 સપ્ટેમ્બર, 2021ના રોજ ભૂપેન્દ્રભાઇએ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને રાજ્યની વિકાસયાત્રાની શાસનધુરા સંભાળી હતી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારે મતથી જીત્યા અને 12 ડિસેમ્બર 2022ના રોજ તેમણે સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter