અંકલેશ્વરઃ એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે સેવા આપતા ઈરફાન મલેક કોરોનામાં મૃત્યુ પામતા હિન્દુઓનાં મૃતદેહને કાંધ પણ આપે છે. તેમની અંતિમવિધિ પણ કરે છે અને મૃતકની અંતિમક્રિયા બાદ મૃતકના સ્વજનોને અસ્થિ પણ કાઢી આપી માનવતાની ધૂણી ધખાવી રહ્યો છે.
અત્યાર સુધીમાં ઈરફાને ૨૨૦ મૃતદેહોની અંતિમવિધિ કરી છે. પરિવારના સપોર્ટ સાથે લોકોની દુવાના ફોન આવતાં અભિભૂત થઈ રહેલો ઈરફાન પોતાની કામગીરીથી ગર્વની લાગણી અનુભવે છે. આ અંગે ઇરફાને જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલવી રહ્યો હતો ત્યારે ધર્મેશ સોલંકીના સંપર્કમાં આવતા તે મૃતદેહ તેમજ બિનવારસી મૃતદેહની કામગીરી કરે છે તેથી તેમની સાથે જોડાયો હતો. એ પછી કોવિડ સ્મશાનગૃહમાં કામગીરીની તક મળી તે સહર્ષ સ્વીકારી લીધી. ડ્રાઈવર હોવા છતાં કામગીરીમાં મૃતદેહને કાંધ આપવા સહિત તેની અંતિમવિધિ રૂપે અગ્નિદાહ પણ આપ્યો છે. ક્યારેક મૃતકના સ્વજનો બીજા દિવસે આવતાં તેઓને તેમનાં મૃત સ્વજનનાં અસ્થિ પણ કાઢી આપું છું. જો કોઈ અસ્થિ લેવા ન આવે તો અસ્થિ નર્મદામાં વિસર્જિત કરું છું. પરિવારજનો કહે છે કે તું બહુ સરસ કામ કરી રહ્યો છે તેવી દુવા અને હિમ્મતને લઈને કામ કરી રહ્યો છું.
વિવિધ સંસ્થા દ્વારા ઇરફાનનું સન્માન
ઇરફાન મલેકને વિવિધ સંસ્થા દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરાયું છે. કોરોના વોરિયર તરીકે પોતાની ફરજ નિષ્ઠા અદા કરવા બદલ કોવિડ સ્મશાનગૃહની ટીમ અને તેમના સંચાલક ધર્મેશ સોલંકી પણ ગર્વ લાગણી અનુભવી તેને અભિનંદન પાઠવ્યા છે.

