ભારતીય ટેલિકોમ ક્રાંતિના પિતા ગણાતા ટેકનોક્રેટ સામ પિત્રોડાની આત્મકથા ‘ડ્રીમિંગ બિગઃ માય જર્ની ટુ કનેક્ટ ઈન્ડિયા’નું ૨૪મી ઓક્ટોબરે અમદાવાદના એએમએ ખાતે વિમોચન થયું હતું. આ પ્રસંગે સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે મારી આત્મકથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. મેં મોટાભાગનું મારું કામ ભારતમાં વર્ષ ૧૯૮૭માં પૂરું કર્યું હોવાથી આજની પેઢીને ખબર પડે કે હું કોણ છું અને મેં શું કામ કર્યું છે એ માટે આત્મકથા લખી છે. રાજીવ ગાંધી સાથેના સંબંધો વિશે વાત કરતાં પિત્રોડાએ કહ્યું હતું કે, મેં ભારત માટે કામ કર્યું હતું, રાજીવ ગાંધી માટે નહીં. રાજીવ ગાંધીએ કામ કરવામાં મને મદદ કરી હતી. પિત્રોડાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ એવું જ નિવેદન આપ્યું હતું કે, ભારતમાં મોદી સત્તામાં હોય કે ન હોય, ભારતને મદદરૂપ થાય એવું કંઈ હશે તો હું ચોક્કસ કામ કરીશ.