મેક્સિકોના સ્મગલરોએ ગુજરાતી પતિને બંધક બનાવીને રાખ્યો, પત્ની અને સંતાનોને યુએસમાં ઘૂસાડ્યાં

બાકી નાણા માટે મેક્સિકોમાં પ્રિયંક પટેલ પર અત્યાચાર ગુજારાતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ

Wednesday 27th July 2022 07:07 EDT
 

અમદાવાદ

ગુજરાતીઓમાં અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના વિદેશોમાં સ્થાયી થવાનું એટલું ઘેલું છે કે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકતાં પણ અચકાતા નથી. સાથે સાથે તેઓ ગેરકાયદેસર રીતે વિદેશમાં પ્રવેશ કરાવતી ટોળકીઓની છેતરપિંડીનો ભોગ પણ બનતા હોય છે.

આવો જ એક કિસ્સો મહેસાણામાંથી બહાર આવ્યો છે. મહેસાણાની 34 વર્ષીય વ્યક્તિને ગેરકાયદેસર રીતે પરિવાર સાથે અમેરિકામાં ઘૂસવાનું ભારે પડી ગયું છે. આ વ્યક્તિએ ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતી ગેંગ સાથે પોતાની પત્ની અને 3 સંતાનોને અમેરિકા પહોંચાડવા માટે રૂપિયા 1.5 કરોડમાં સોદો કર્યો હતો. પરંતુ તે સ્મગલરોને ફક્ત રૂપિયા એક કરોડ જ ચૂકવી શક્તાં સ્મગલરોએ તેની પત્ની અને સંતાનોને અમેરિકામાં પ્રવેશ તો કરાવી દીધો હતો પરંતુ વ્યક્તિને મેક્સિકોમાં બંધક બનાવીને રાખ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પોતાના પરિવારજનોથી અલગ થયેલી આ વ્યક્તિ પર સ્મગલરોની ગેંગે એટલો ત્રાસ ગુજાર્યો કે તેને બ્રેઇન સ્ટ્રોક આવી ગયો હતો અને હાલ તેને સારવાર માટે મેક્સિકોના કાનકૂન શહેરની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

મહેસાણાના સાલડી ગામનો પ્રિયંક પટેલ, તેની પત્ની ઉમા અને 3 સંતાનો જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં અમેરિકા જવા રવાના થયા હતા. તેઓને થોડો સમય અમદાવાદના ઘાટલોડિયાના એક એપાર્ટમેન્ટમાં રખાયા અને ત્યારબાદ અમદાવાદ અને કલોલના સ્થાનિક એજન્ટો દ્વારા દિલ્હી થઇને મેક્સિકો મોકલાયા હતા. આ સમગ્ર સોદો રૂપિયા દોઢ કરોડમાં થયો હતો જેમાંથી એક કરોડ રૂપિયા સ્થઆનિક એજન્ટોને આંગડિયા દ્વારા ચૂકવાયા હતા.

પ્રિયંક અને પરિવાર કાનકૂન પહોંચ્યો કે ગુજરાતના સ્થાનિક એજન્ટોએ મેક્સિકોના માનવ તસ્કરોને સંદેશો મોકલ્યો હતો કે હજુ રૂપિયા 50 લાખ ચૂકવવાના બાકી હોવાથઈ આ પરિવારને બંધક બનાવીને રાખવામાં આવે. મેક્સિકોની ગેંગે આ પરિવાર પર એક સપ્તાહ સુધી અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ પ્રિયંકની વિનંતી  અને આજીજી પર તેની પત્ની અને સંતાનોને અમેરિકા મોકલવા રાજી થયા હતા. સ્મગલરોએ પ્રિયંકને જણાવ્યું હતું કે, તેની પત્ની અને સંતાનોને ટેક્સાસ પહોંચાડી દેવાયા છે. પરંતુ ત્યારપછી પ્રિયંકની ક્યારેય તેના પરિવાર સાથે વાત થઇ નથી. પ્રિયંક હાલ ગંભીર હાલતમાં કાનકૂનની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter