મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટઃ ૫૭૨ ગૌરવ એવોર્ડથી સન્માનિત

Friday 10th January 2020 05:17 EST
 
 

અમદાવાદઃ અડાલજ ખાતે ત્રણથી પાંચ જાન્યુઆરીએ ત્રિદિવસીય સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ – ૨નું આયોજન કરાયું હતું. સમિટનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું અને સમારોહના અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હતા.
‘બંધારણનો મુસદ્દો બ્રાહ્મણે તૈયાર કર્યો હતો’
સમિટ-૨૦૨૦માં રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, ભારતીય બંધારણનો મૂળભૂત મુસદ્દો બ્રાહ્મણે તૈયાર કર્યો હતો. તેમણે દાવા સાથે જણાવ્યું કે, બંધારણ સભાના અધ્યક્ષ ડો. બાબા સાહેબ આંબેડકરે પણ આ અંગેનો શ્રેય બેનેગલ નરસિંહ રાઉને આપ્યો હતો. બેનેગલ બ્રાહ્મણ હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતના નવ નોબલ પારિતોષિક વિજેતાઓમાંથી આઠ જન્મે બ્રાહ્મણ છે. જેમાં અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીનો પણ સમાવેશ થાય છે.
૫૭૨ને બ્રહ્મ ગૌરવ એવોર્ડ
સમિટમાં વિશિષ્ટ યોગદાન પ્રાપ્ત કરનાર ૫૭૨ જેટલા મહાનુભાવોને બ્રહ્મ ગૌરવ એવોથી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ૩ લાખથી વધુ બ્રાહ્મણ પરિવારો હાજર હતા. જેમાં બી ટુ બી અને બી ટુ સી બેઠકો તથા રોજગાર મેળો એમ મળીને કુલ ૨૨૦૦ સ્ટોલ હતા. ઉલ્લેખનીય છે કે પ્રથમ સમિટમાં ૪૫૦૦ યુવાનોને રોજગારી અપાઈ હતી. આ સમિટમાં ૧૦ હજાર યુવાનોને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક રખાયો હતો.
બ્રહ્મ ગૌરવ એવોર્ડના કન્વીનર રિતેશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, રવિવારે વિશિષ્ટ યોગદાન પ્રાપ્ત કરનાર કલાકારો, વેપારીઓ સહિતના લોકોને સન્માનિત કરાયા હતા આ એવોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ લેવાશે એવું તેમણે જણાવ્યું હતું. સમિટમાં ચોથીએ ડાયરાનું આયોજન હતું તેમાં પણ મોટી સંખ્યામાં લોકો દેખાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter