અમદાવાદ: ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી અમદાવાદમાં છત્રાલ નજીક પિપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. મહેસાણા હાઇવે પર છત્રાલ નજીક મુંબઇના ટાટા ગ્રુપ સાથે પાર્ટનરશિપમાં આ એનિમલ હોસ્પિટલ બનશે.
આ પ્રસંગે તેમણે ગુજરાત સરકાર પાસે કચ્છના એક ખાસ પ્રકારના ઊંટને પાણીમાં તરવા દેવાની મંજૂરી પણ માગી હતી. આ ઉપરાંત જામનગરમાં મોરની સેન્ચુરી બનાવવાની પણ માગણી કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ ગુજરાત સરકાર પાસે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રણ જાતના ઊંટ છે, જેમાં એક પ્રકારના ઊંટ પાણીમાં તરી શકે છે પણ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આ ઊંટને પાણીમાં તરવાની મંજૂરી અપાઇ નથી. આથી આ પ્રકારની જાતિ નામશેષ થઇ રહી હોવાનો દાવો મેનકા ગાંધીએ કર્યો છે. માત્ર ૩૫૦૦ જ આવા ઊંટ રહ્યા હોવાથી તેને બચાવવાની માગણી તેમણે રાજ્ય સરકાર સમક્ષ કરીને ઊંટને પાણીમાં તરવા દેવાની મંજૂરી આપવાની માગણી કરી હતી. ગુજરાતમાં આવા પાણીમાં તરી શકે તેવા ઊંટને ખારાઇ ઊંટ કહે છે. જે ૩ કિલોમીટર સુધી તરી શકે છે અને પાણીમાં ઉગતી વનસ્પતિને ખાઇને જીવે છે. આવા ઊંટને ઇસ્માઇલ જાટ સમુદાયના લોકો પાળે છે. આ ઉપરાંત કેટલાક રબારી લોકો આ ઊંટનું પાલન કરતા હોય છે. એક રિસર્ચ અનુસાર દરિયાઇ વનસ્પતિ મેન્ગ્રુવ્સમાં ઘટાડો થવાથી અને આવા ઊંટને તરવાની મંજૂરી ન હોવાથી આ ઊંટ પણ વિલુપ્ત થઇ રહ્યા છે.


