મૈં અમિત અનિલચંદ્ર શાહ...ઃ બૂથ કાર્યકરથી ગૃહ પ્રધાનપદે

Wednesday 05th June 2019 05:23 EDT
 
 

ગાંધીનગરઃ ભારતીય રાજકારણના ચાણક્ય તરીકે ખ્યાત થયેલા અમિત અનિલચંદ્ર શાહને કેન્દ્રીય પ્રધાનમંડળમાં ગૃહ ખાતા જેવા અતિ મહત્ત્વના મંત્રાલયનો કાર્યભાર સોંપાયો છે. ૨૦૦૨થી ૨૦૧૦ના ગાળામાં અમિત શાહે ગુજરાતમાં પણ ગૃહ પ્રધાન તરીકે સેવા આપી હતી. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હોદ્દો સંભાળ્યા બાદ અમિત શાહ ભાજપને ભારતીય રાજકારણમાં છેલ્લા સાત દાયકામાં ન જોઈ હોય તેવી ઊંચાઈએ લઈ ગયા છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને વ્યક્તિગત ધોરણે મળેલી બહુમતીના યશભાગી અમિત શાહ પણ છે.

૨૨ ઓક્ટોબર ૧૯૬૪ના રોજ જન્મેલા અમિતભાઇએ ૧૪ વર્ષની વયે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે રાષ્ટ્રવાદના સંસ્કારોથી પ્રેરાઇને કાર્ય શરૂ કર્યું. ૧૯૮૩માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સભ્ય તરીકે જાહેરજીવનમાં પગરણ માંડ્યા અને ૧૯૮૭માં વિધિવત્ રીતે ભાજપમાં જોડાયાં.
આ પૂર્વે ૧૯૮૨માં કોલેજકાળમાં આરએસએસના એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને મળ્યા. ૧૯૮૮માં નરેન્દ્રભાઇ વિધિવત્ રીતે ભાજપમાં સંઘના પ્રતિનિધિ અને પ્રચારકના રૂપમાં સક્રિય થયા ત્યારથી બન્નેની જોડીની શરૂઆત થઇ હતી. પિતાના પીવીસી પાઇપ્સના વ્યવસાયમાં ઝંપલાવવાના બદલે અમિતભાઇએ શેરબજારના ગણિત માંડી આજે મતોના શહેનશાહ બની મોદી સરકારમાં નંબર ટુના સ્થાને પહોંચ્યા છે.
મહેસાણામાં શાળાકીય શિક્ષણ બાદ અમદાવાદમાં સી. યુ. શાહ કોલેજમાં બાયો કેમિસ્ટ્રીમાં બીએસસીનો અભ્યાસ કરવા સાથે અમિતભાઇએ ભાજપ યુવા મોરચામાં તાલુકાથી લઇને પ્રદેશ સ્તરના વિવિધ મહત્ત્વના હોદ્દાઓ સંભાળી ૧૯૯૧માં પહેલી વખત રાષ્ટ્રીય નેતા લાલ કૃષ્ણ અડવાણીને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ઇન્ચાર્જ તરીકે ભવ્ય વિજય અપાવ્યો હતો.
આ પૂર્વે નરેન્દ્રભાઇ અને અમિતભાઇની જોડીએ ૧૯૮૫માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપને સત્તાસ્થાને પહોંચાડ્યો હતો. ૧૯૯૦માં જનતા દળ સાતે ભાગીદારીમાં અને ૧૯૯૫માં એકલા હાથે ભાજપને કેશુભાઇ પટેલના નેતૃત્વમાં બે તૃતિયાંશ બહુમતી સાથે ગુજરાતનું સુકાન સોંપ્યું હતું.
જોકે તે વખતે કોંગ્રેસ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સારી એવી પકડ ધરાવતી હોવાથી મોદી અને શાહની જોડીને હાઇ કમાન્ડે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભાજપના પગરણ મંડાય તેની વિશિષ્ટ જવાબદારી સોંપાઇ હતી. આ જોડીએ તેને સફળતાથી સંપન્ન કરી હતી. આથી, ભાજપમાં બળવો થવા છતાં ૧૯૯૮માં ભાજપ ફરીથી બે તૃતિયાંશ બહુમતીથી જ સત્તા હાંસલ કરી શક્યો હતો.
અમિતભાઇ ૧૯૯૭માં પહેલી વખત ભાજપના ઉમેદવાર તરીકે સરખેજ વિધાનસભામાંથી પેટા-ચૂંટણી લડીને ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. ત્યારબાદ ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૦૭માં પણ આ જ વિસ્તારમાંથી ચૂંટાયા હતા. સરખેજમાંથી નારણપુરા વિધાનસભા મતવિસ્તાર અલગ કરવામાં આવતા તેઓ ૨૦૧૨-૧૭ની વિધાનસભા માટે નારણપુરામાંથી ચૂંટાયા હતા.
આ દરમિયાન ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ ગુજરાતની બાગડોર સંભાળી ત્યારે તેમની સાથે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શરૂ કરેલી સફર ૨૦૧૦ સુધી યથાવત્ રહી હતી.
શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ જુલાઇ ૨૦૧૦માં તેમની ધરપકડ કરી હતી. આ સમયે સાડા ત્રણ માસના જેલવાસ બાદ તેઓ ઓક્ટોબરમાં જામીન પર છૂટ્યા હતા. તે સમયે તેમણે નારણપુરાથી વિરોધીઓને કહ્યું હતું, ‘મારી ઓટ જોઇને કોઇને કોઇ કિનારે ઘર ન બાંધી લેતા, હું સમુંદર છું, ફરી વાર પાછો આવીશ!’
આ પછી ૨૦૧૨માં નારણપુરા વિધાનસભાના સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા હતા. વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઇ મોદીની ભાજપે સર્વસંમતીથી પસંદગી કરી ત્યારે અમિતભાઇને રાષ્ટ્રીય મહામંત્રીનો પદભાર સોંપાઇ ચૂક્યો હતો.
અમિતભાઇ કાનૂની કેસના કારણે બે વર્ષ સુધી ગુજરાત બહાર રહ્યા ત્યારે ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરી ભાજપના પાયાનું ચણતર
કર્યું હતું.
આ ગાળામાં તેઓ નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ સાથીદાર બની ગયા હતા. તેમની કુનેહ જોઈને તેમને જુલાઈ ૨૦૧૪માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો હોદ્દો અપાયો હતો. ત્યારબાદ જૂન-૨૦૧૬માં તેમને વધુ એક મુદત માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
આ ગાળામાં તેમણે ભાજપ માટે ૧૦ કરોડ નવા સભ્ય બનાવ્યા હતા. તેમની ઝૂંબેશ અને જ્ઞાતિવાદી સમીકરણોથી ઉપર ઊઠીને કરેલી વ્યૂહરચનાની મદદથી ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને ઝળહળતો વિજય અપાવ્યો હતો.

ગુજરાતના વધુ બે પ્રતિનિધિ

સૌરાષ્ટ્રના મનસુખ માંડવિયાને શિપિંગ મિનિસ્ટ્રીનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમને કેમિકલ અને ફર્ટિલાઈઝર્સ ખાતાના રાજયકક્ષાના પ્રધાન તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નિકટ ગણાતા પુરુષોત્તમ રૂપાલાને કૃષિ અને કિસાન કલ્યાણ ખાતાના પ્રધાન તરીકેનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. આમ ગુજરાતના કુલ ત્રણ સાંસદોને પ્રધાનપદ સોંપાયા છે.
કેમિકલ અને ફર્ટિલાઈઝર પ્રધાન બનેલા મનસુખ માંડવિયા ભાવનગર તાલુકાના હાનોલના વતની છે. તેમણે ૨૮ વર્ષની નાની વયે વિધાનસભાની ચૂંટણી જીતીને સૌથી નાની વયના વિધાનસભ્ય બનવાનું બહુમાન મેળવેલું છે. ૨૦૦૭માં તેમણે ‘બેટી બચાવો’ના નારા સાથે ૫૨ કિલોમીટરની પદયાત્રા કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ૨૦૧૧માં તેઓ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન પણ બન્યા હતા. ૨૦૧૨માં રાજ્યસભામાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા.
મોદી પ્રધાનમંડળમાં કૃષિ અને કિસાન કલ્યાણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે દરજ્જો મેળવનાર પરષોત્તમ રૂપાલા પણ સૌરાષ્ટ્રના છે. તેઓ મૂળ અમરેલીના વતની છે. તેમણે અમરેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક કામગીરી કર્યા બાદ રાષ્ટ્રીય અને રાજ્યના રાજકરણમાં પોતાનું વર્ચસ જમાવ્યું છે.
૧૯૮૮-૯૧ના ગાળામાં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ રહ્યા પછી તેઓ જીઈબીના અધ્યક્ષ અને ગુજરાતના સિંચાઇ અને પાણીપુરવઠા પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. કૃષિ અને સહકારના ક્ષેત્રમાં તેમણે મોટું યોગદાન આપેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter