અમદાવાદઃ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ થવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતના નાગરિકોએ જુદા જુદા અર્થઘટન કર્યાં હતા. મંગળવાર રાતથી રાજ્યમાં લોકોએ રૂપિયા ભરવા અને ઉપાડવા માટે ATM સેન્ટર પર ધસારો કર્યો હતો. જેને લીધે ATMના સર્વર ડાઉન થઈ ગયા હતા. લોકો ૫૦૦ અને એક હજારની ચલણી નોટો ATMમાં જમા કરાવીને તેમજ કાર્ડ મારફતે રૂ. ૧૦૦ની ચલણી નોટો મેળવવા પ્રયાસો કરતા હતા. જોકે, લોકોએ ત્રણ-ચાર વખત પ્રયત્ન કર્યા પછી માંડ રૂ. ૧૦૦ની નોટો મળતી હતી. ATM સેન્ટર પર ધસારો કરનારા લોકો રૂ. ૫૦૦ અને હજારની નોટના બદલામાં રૂ. ૧૦૦ની નોટ લેવા કાર્ડનો ઉપયોગ કરતા હતા તો ૫૦૦ની નોટ નીકળતી હોવાના પણ કિસ્સા નોંધાયા હતા.


