વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો ૬૬મો જન્મદિન ગુજરાતમાં ઉજવશે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં જામનગર ખાતે ‘સૌની’ યોજનાના પ્રથમ ચરણના લોકાર્પણ પ્રસંગે મોદી ગુજરાત આવ્યા ત્યારે ગુજરાત પર હવે વધારે ધ્યાન આપશે તેવો સંકેત તેમણે આપ્યો હતો. હાલ વડા પ્રધાન કાર્યાલય અને ગુજરાતના વહીવટી તંત્ર વચ્ચે તૈયાર થઇ રહેલા પ્રાથમિક કાર્યક્રમ પ્રમાણે મોદી ૧૭મીએ પહેલાં વડોદરા આવશે. વડોદરામાં તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ નવસારી ખાતે દિવ્યાંગોની ઉપસ્થિતિમાં પોતાના જન્મદિનની ઉજવણી કરશે.
રિવરફ્રન્ટ પર ‘લંડન આઈ’ની નવેસરથી રજૂઆત
સાબરમતી રિવરફ્રન્ટ પર પડતો મુકાયેલો 'લંડન આઈ' (જાયન્ટ વ્હીલ) પ્રોજેકટ પુન:જીવિત કરવામાં આવ્યો છે. તત્કાલીન મુખ્ય પ્રધાન હાલના દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નસમા પ્રોજેક્ટમાં લંડનની સલોરિયા ચાર્ટર્ડ કંપનીએ અગાઉ દરખાસ્ત આપી હતી. તેણે હવે નવેસરથી પ્રપોઝલ આપી છે. કંપનીએ અગાઉ પ્રોજેક્ટની રૂ. ૧૬૦૦ કરોડની કિંમત દર્શાવતા કોર્પોરેશને દરખાસ્ત પડતી મૂકી હતી. તાજેતરમાં કંપનીએ ફરી તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને મળી પ્રોજેક્ટ માટે પોતાની તૈયારી દર્શાવી હતી.
અમદાવાદમાં ડમ્પરની ટક્કરે બે વિદ્યાર્થિનીઓના મૃત્યુ
અમદાવાદના શાહઆલમ ચાર રસ્તા પાસે ડમ્પરની અડફેટે બે ભાવિ તબીબ યુવતીઓ આશવી પટેલ અને પ્રીતિ વૈદ્યનાં મૃત્યુ નીપજ્યાં હતાં. બોપલની પારૂલ યુનિવર્સિટીમાં બન્ને વિદ્યાર્થિનીઓ ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી હતી. ત્રીજી સપ્ટેમ્બરે બન્ને બોપલથી નીકળીને મણિનગર ઘેરે જતી હતી ત્યારે શાહઆલમ પાસે ડમ્પરે બન્નેને અડફેટે લીધી હતી. બન્નેને ટક્કર મારી ડમ્પર ચાલક ડમ્પર સાથે નાસી છૂટયો હતો. બન્નેમાંથી એક યુવતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બીજી યુવતીનું એલ જી હોસ્પિટલ ખાતે સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે ટ્રાફિક પોલીસે મોડી રાતે ડમ્પર ચાલક મઝહર ખાનની ધરપકડ કરી હતી.
હાઈ કોર્ટના ચુકાદા પછી મેડિકલમાં મેનેજમેન્ટની યાદી
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા સાત સરકારી મેડિકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટાની ૧૦૫ બેઠકો સરકારી ક્વોટામાં તબદીલ કરવાના મામલે થયેલી જાહેરહિતની રિટમાં જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ એ એસ સુપૈયાની ખંડપીઠે મોક રાઉન્ડમાં જાહેર કરાયેલું લિસ્ટ હાઇ કોર્ટના ચુકાદાને આધીન રહેશે તેમ ઠરાવ્યું હતું. સાથે કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, છેલ્લી ઘડીએ નીટને બદલે ગુજકેટથી પ્રવેશ આપવાની નીતિ બનાવી વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં કેમ કરે છે? રાજ્ય સરકારે મેનેજમેન્ટ ક્વોટાની સરેન્ડર કરેલી ૧૦૫ બેઠકો હવે સરકારી ક્વોટામાં ભરાતા તે ગુજકેટને આધારે ભરાશે.

