મોદી-ગાંધી સહિતના નેતાઓની સભાની રાજ્યમાં રેસ

Wednesday 01st November 2017 09:29 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે. તેથી કેન્દ્રિય અને રાજ્ય કક્ષાના નેતાઓ રાજ્યમાં પ્રચારાર્થે પ્રવાસ કરશે. પહેલી નવેમ્બરે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, બીજી નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત રાષ્ટ્રીય નેતાઓ રાજ્યની મુલાકાતે છે. આ પ્રમાણે જ આખા નવેમ્બર મહિનાનો રાજકીય દિગ્ગજોનો રાજ્ય પ્રવાસનો કાર્યક્રમ જાહેર થયો છે. ચૂંટણી મતદાનના પહેલા પ્રચારની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભાજપ-કોંગ્રેસના અનેક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવી રહ્યા છે.
રાહુલ ગાંધી પહેલીથી ત્રીજી નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી નવેમ્બરે ગાંધીનગર અક્ષરધામની રજતજયંતી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહનો ત્રીજી નવેમ્બરે સુરતમાં ભાજપનો કાર્યક્રમ છે. આ ઉપરાંત નાણા પ્રધાન અરુણ જેટલી, કેન્દ્રિય પ્રધાનમંડળમાંથી હંસરાજ આહિરથી લઈને અનેક પ્રધાનો, ભાજપશાસિત રાજ્યોના એક ડઝનથી વધુ મુખ્ય પ્રધાનો પણ નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહ સાતમી નવેમ્બરે અમદાવાદમાં, ૬થી ૯ નવેમ્બર દરમિયાન ટેકનોક્રેટ સામ પિત્રોડા સમગ્ર ગુજરાતમાં અને ૧૮ અને ૧૯ નવેમ્બરે પૂર્વ પ્રધાન શશિ થરૂર પણ ગુજરાત પ્રવાસે છે. કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાઈલટ સહિતના નેતાઓ પણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાનમાં જોડાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter