મોદી જેવા નેતા માટે દેશે સિત્તેર વર્ષ રાહ જોઈ: અમિત શાહ

Wednesday 03rd April 2019 07:08 EDT
 
 

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ૩૦મી માર્ચે લોકસભા ચૂંટણી માટે ગાંધીનગરથી ઉમેદવારી પત્રક ભર્યું હતું. વાજપેયી અને અડવાણી જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓ જે બેઠકેથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા છે તે બેઠક ૨૦૧૯ની ચૂંટણી માટે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ફાળે આવી છે. ૩૦મીએ એનડીએના નેતાઓની હાજરીમાં ૪ કિ.મી. લાંબો રોડ શો કર્યા બાદ અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી.
કેન્દ્રીય નેતાઓની હાજરી
રાજનાથ સિંહ, પીયૂષ ગોયલ, અરુણ જેટલી જેવા કેન્દ્રીય નેતાઓ તથા ઉદ્ધવ ઠાકરે, રામવિલાસ પાસવાન અને પ્રકાશસિંહ બાદલ જેવા એનડીએના સાથી પક્ષોના નેતાઓ ઉપરાંત ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ આ દરમિયાન હાજરી આપી હતી. અમિત શાહે અમદાવાદની જનતાનું અભિવાદન સ્વીકારતા જણાવ્યું કે, મોદી જેવા નેતા મેળવવા માટે દેશને ૭૦ વર્ષ રાહ જોવી પડી છે.
ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે બપોરે બે ક્લાકે કલેક્ટર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
ચૂંટણી ફોર્મ ભરતા પૂર્વે અમદાવાદના નારાણયપુરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તેમણે ફૂલહાર કર્યા હતા. ત્યાંથી નીકળેલા ૪ કિલોમીટરના રોડ-શોમાં ધોમ ધખતા તાપમાં ઊમેટલા અભૂતપૂર્વ જનસૈલાબે અમિત શાહ ઉપર ગુલાબની પાંદડીઓ વરસાવી શુભેચ્છાઓ પાઠવી હતી. રોડ-શોમાં જોડાઈને આ તમામ રાષ્ટ્રીય નેતાઓએ અમિત શાહની સાથે અમદાવાદના નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
મોદી પર જનતાનો વિશ્વાસ
રોડ શોના પ્રારંભે અમિત શાહે જણાવ્યું કે, માત્ર પાંચ જ વર્ષમાં લોકોન શા માટે ભાજપ સરકાર ઉપર આટલો બધો વિશ્વાસ બેઠો? ગુજરાતના એવા મુખ્યમંત્રી જે પહેલાં ક્યારેય પંચાયતની પણ ચૂંટણી લડયા નહોતા તેમને દેશના વડા પ્રધાન બનવાનો જનાદેશ આવ્યો અને તેમણે પાંચ વર્ષમાં જ લોકોને કેવી રીતે વિશ્વાસ સંપાદિત કરી દીધો? તેનો માત્ર એક જ જવાબ છે કે, મોદી જેવા નેતા માટે આ દેશે ૭૦ વર્ષ રાહ જોઈ છે.
ચોકીદાર પ્યોર છે: રાજનાથ
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે અહીં જણાવ્યું હતું કે, કોંગ્રેસ એવા નારા લગાવે છે કે દેશનો ચોકીદાર ચોર છે, પરંતુ ચોકીદાર તો પ્યોર છે અને વડા પ્રધાન બનવાનું પણ શ્યોર છે. આ ચોકીદાર જ દેશની તમામ સમસ્યા માટે ક્યોર છે. પાંચ વર્ષ પહેલા દેશમાં પહેલીવાર સંપૂર્ણ બહુમતવાળી બિનકોંગ્રેસી સરકાર બની ત્યારથી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વિશ્વગુરુના સ્થાને પહોંચાડવા કાર્યરત છે.

અમિત શાહની કુલ સંપત્તિ સાત વર્ષમાં ત્રણ ગણી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ૩૦મી માર્ચે ગાંધીનગર લોકસભા સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે રજૂ કરેલી એફિડેવિટ મુજબ તેમના નામ ઉપર કુલ સંપત્તિ ૩૦.૪૯ કરોડે પહોંચી છે. એમના પત્ની સોનલબહેનના નામે કુલ મિલકતો રૂ. ૮.૩૬ કરોડની બોલે છે. અમિત શાહની વાર્ષિક આવક ૨૦૧૩-૧૪માં રૂ. ૪૧.૯૩ લાખ હતી, જે ૨૦૧૭-૧૮માં વધીને રૂ. ૫૩.૯૧ લાખ દર્શાવાઈ છે. જ્યારે એમની પત્નીની વાર્ષિક આવક ૨૦૧૩-૧૪માં રૂ. ૧૪.૫૬ લાખ હતી, તે ૨૦૧૭-૧૮માં રૂ. ૨.૩૧ કરોડે પહોંચી છે. મતલબ અમિત શાહની કુલ સંપત્તિમાં ૨૫૯ ટકાનો વધારો થયો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter