મોદી નર્મદા કાંઠે ઓરડીમાં ફાનસના અજવાળે લખતા હતા

Wednesday 19th September 2018 06:17 EDT
 
 

વડોદરાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૭મી સપ્ટેમ્બરે ૬૮મો જન્મદિવસ સમગ્ર દેશમાં ઉજવાયો. આ પ્રસંગે વડોદરા નજીક આવેલા યાત્રાધામ કરનાળીના ઘણા વડીલો એ યાદ કરે છે કે નરેન્દ્ર મોદી જ્યારે સંઘના સક્રિય કાર્યકર હતા ત્યારે તેઓ કરનાળીના હંસારૂઢ આશ્રમમાં આવેલી નાનકડી ઓરડીમાં રોકાતા હતા. તેઓ વડોદરા જિલ્લાના ગામડાંઓમાં સંઘ પ્રચારના કાર્યોમાં હોય ત્યારે તેઓ કરનાળીના હંસારૂઢમાં ફાનસના અજવાળે લેખનકાર્ય કરતા હતા. મોદી ત્યાં વર્ષો સુધી આવતા-જતા રહ્યા હતા.

૪૦ વર્ષ પહેલાંની વાત

આશરે ૪૦ વર્ષ પહેલાં મોદી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા. ત્યારે મોદી જે વાહન મળે તેના દ્વારા કરનાળી પહોંચી જતા. નર્મદા કાંઠે આવેલા હંસારૂઢ આશ્રમમાં રોકાતા અને ત્યાંથી ડભોઇ, ચાણોદ સહિતના ગામમાં પગપાળા જઇને સંઘપ્રચાર કરતા. નરેન્દ્ર મોદી વર્ષો સુધી હંસારૂઢ આશ્રમમાં આવતા-જતા રહેતા હતા. મોદી હંસારૂઢ આશ્રમના અન્નક્ષેત્રમાં સામાન્ય માણસોની સાથે જ સાદું ભોજન લેતા. તેઓ ઘણીવાર આશ્રમની બાજુમાં જ નર્મદા કાંઠે આવેલા પીપળાના વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરતા હતા.

સ્વામી હંસારૂઢ મહારાજ દ્વારા આશ્રમની સ્થાપના

હંસારૂઢ આશ્રમની સ્થાપના વર્ષો પહેલાં શ્રી ૧૦૮ બ્રહ્મવિદ વશિષ્ઠ સ્વામી હંસારૂઢજી મહારાજે કરી હતી. તેઓએ અહીં અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. તેઓનું નિર્વાણ સંવત ૨૦૧૪ના પોષ મહિનામાં થયું હતું. એ પછી આ આશ્રમ સ્વામી સુરેશાચાર્યજી મહારાજ ચલાવતા હતા. હાલમાં આશ્રમનો કારભાર સ્વામી વસંતાનંદજી ચલાવી રહ્યા છે. તેઓ મૂળ મધ્ય પ્રદેશના ગ્વાલિયરના રહેવાસી છે. વર્ષોથી આ આશ્રમમાં રહીને તેઓ સેવા આપે છે. હંસારૂઢ આશ્રમ ૨૬ એકર જમીનમાં પથરાયેલો છે.
હંસારૂઢ આશ્રમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી વસંતાનંદજીએ જણાવ્યું કે, હું આરએસએસ માટે કામ કરતો હતો. મોદી પણ સંઘ પ્રચારક હતા. તેથી મોદી સાથે મારે પરિચય થયો હતો અને જે આજે પણ યથાવત છે. જોકે સમય જતાં તેમની જવાબદારી વધતી ગઇ તેમ તેમ તેમનું અહીં આવવાનું ઓછું થતું ગયું હતું.
વસંતાનંદજી જણાવે છે કે, મોદી જ્યારે આશ્રમમાં આવતા ત્યારે અન્નક્ષેત્રનું સાદું ભોજન લેતાં અને ચટ્ટાઇ પર સૂઇ જતા હતા. તેઓ સાદું જીવન જીવતા હતા. તેઓ ગમે ત્યાં જવું હોય તો ચાલતા જ જતા હતા. તેમનું જીવન સાધુ મહાત્મા જેવું જ હતું.
વસંતાનંદજી કહે છે કે, મોદીના આશ્રમમાં આવ્યાને વર્ષો વીત્યા પછી એક દિવસ આશ્રમમાં ટેલિફોન આવ્યો. આશ્રમનાં સાધ્વી જયાએ તે ફોન ઉઠાવ્યો અને પૂછ્યું કે કોણ બોલી રહ્યાં છો? ત્યારે સામેથી જવાબ મળ્યો હતો કે, હું નરેન્દ્ર મોદી બોલું છું. સ્વામીજીને ફોન આપો. હું ત્યારે ગૌ-શાળાના કામમાં વ્યસ્ત હતો ત્યાંથી હું ટેલિફોન પાસે આવ્યો અને મેં રિસિવર હાથમાં લીધું તો તેમણે મને તેમના મુખ્ય પ્રધાન તરીકેના પ્રથમ શપથવિધિ સમારોહમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. વર્ષો બાદ પણ તેઓ મને ભૂલ્યા નહોતા. તેઓ સાધુ-સંતોને નિરંતર સન્માન આપતા આવ્યા છે. ત્યારબાદ તેઓએ તેમની દરેક શપથવિધિમાં મને આમંત્રણ આપ્યું. તાજેતરમાં તેમના એક અધિકારીએ ફોન કરીને નરેન્દ્ર મોદીને મળવા માટે મને દિલ્હી બોલાવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter