અમદાવાદઃ અમદાવાદના જીએમડીસીમાં ૨૪મી નવેમ્બરથી ૩૦મી નવેમ્બર સુધી યોજાયેલા સાતમા પુસ્તક મેળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક પુસ્તકે આકર્ષણ જમાવ્યું હતું. વડા પ્રધાનની ઊંચાઈ, વજન અને ઉંમરને અનુરૂપ જ ૫ ફૂટ, ૭ ઈંચ ઉંચાઈનું, ૭૭ કિગ્રા વજન ધરાવતું અને ૬૮ વર્ષની ઉંમરને અનુરૂપ ૬૮ પાનાનું અનોખું પુસ્તક મોદીના કટઆઉટમાં જ બનાવાયું છે.
આ પુસ્તક ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ’માં સ્થાન પામે એ માટે તજવીજ ચાલે છે. તેની પ્રક્રિયા પૂરી થતાં તે રેકોર્ડધારક પુસ્તક બની રહેશે. ગયા વર્ષથી આ પુસ્તકની તૈયારીઓ કરી હતી અને ૮ મહિનાની મહેનત બાદ આ પુસ્તક તૈયાર થયું હતું. નરેન્દ્ર મોદી અંગેના વીડિયો જોઈને તેમના વિચારો અને તેમની જીવનયાત્રાને ૬૮ પાનામાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે.
આ પુસ્તકનું કદ અને આકાર ઘણા મોટા છે તેથી તેને રાખવામાં અગવડતા પડે એ સ્વાભાવિક છે. તે ધ્યાનમાં રાખીને આ કદાવર પુસ્તક સિવાય પુસ્તકની નાની પ્રતિકૃતિ તૈયાર કરીને બુકસ્ટોલમાં રાખી હતી.


