ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમય કરતાં વહેલી યોજાવામાં આવે તેવા એંધાણ વરતાઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉત્તર પ્રદેશમાં મળેલી અભૂતપૂર્વ સફળતાથી ઊભી થયેલી લહેરનો પૂરતો લાભ લેવા માગે છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પૂરી થયા બાદ ખૂબ મોટી માત્રામાં ત્યાં રહેલી ચૂંટણી સામગ્રીને ગાંધીનગર પ્રદેશ કાર્યાલયમાં મોકલાઈ રહી છે. રવિવારની રાત્રે ૨૦ ટ્રેલર ભરીને આ સામગ્રી કમલમમાં આવી પહોંચી હતી. જોકે, ભાજપના સંબંધિત પદાધિકારીઓ આ અંગે જાણકારી ન હોવાનું જણાવે છે.
સૂત્રો મુજબ નજીકનાં સમયમાં જ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવશે. એપ્રિલના પ્રથમ સપ્તાહ બાદ વિધાનસભા ભંગ કરીને જૂનના બીજા સપ્તાહ સુધીમાં ચૂંટણી જાહેર કરી દેવાશે. સૂત્રોનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશમાં મળેલી સફળતાની લહેર કદાચ ડિસેમ્બર ૨૦૧૭ સુધી ન પણ ચાલે કારણ કે, રાજ્યમાં પાટીદાર અને ઓબીસી આંદોલન ઉપરાંત ખેડૂત, બેરોજગારો, ફિક્સ પગારદારો તેમજ આંગણવાડી અને આશાવર્કર બહેનોના આંદોલન પણ ચાલી રહ્યા છે. એવામાં જો નબળું ચોમાસું જાય તો ભાજપ માટે સ્થિતિ વધારે મુશ્કેલીજનક બની શકે છે. તેથી જ જૂનમાં જ ચૂંટણી કરી દેવામાં આવે તેવી સંભાવના અતિ પ્રબળ બની છે.


