મોદી હૈ તો મુમકિન હૈ... ગુજરાતમાં નવુંનક્કોર મંત્રીમંડળ

Tuesday 21st September 2021 15:06 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતને રાજકારણની પ્રયોગશાળા બનાવનારા ભાજપ હાઇ કમાન્ડે આખા દેશમાં ક્યારેય કોઇ રાજ્યમાં જોવા ન મળ્યું હોય તેવું કૌતુક સર્જ્યું છે.
૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીને માંડ સવા વર્ષ બાકી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક અને નિડર નિર્ણય લઇને વિજય રૂપાણીના આખેઆખા મંત્રીમંડળને ઘરે બેસાડી દીધું છે. એટલું જ નહીં, નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યુવા મંત્રીમંડળની રચના કરીને તેમને રાજ્યની શાસનધૂરા સોંપી દીધી છે. મોદી અને અમિત શાહની બેલડી ‘સરપ્રાઇઝ’ આપવા માટે જાણીતી છે, પછી તે ચૂંટણીના ઉમેદવારોની પસંદગી હોય કે મહત્ત્વના પદો પર નિમણૂંકની વાત હોય, પરંતુ આ વખતે તેમણે જે નિર્ણય લીધો છે તેણે દેશભરના રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. સામાન્ય સંજોગોમાં સરકારની નવરચના થાય ત્યારે અસંતોષનો સૂર પણ ઉઠતો હોય છે, રિસામણા-મનામણાનો દોર ચાલતો હોય છે, પરંતુ ગુજરાતમાં આટલા મોટા પરિવર્તન છતાં ક્યાંય દેખીતો વિરોધ જોવા મળ્યો નથી. છાનેખૂણે કચવાટ વ્યક્ત થયો હતો, પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. સિનિયર નેતાગીરીને મનાવી લેવાઇ છે.

મંત્રીમંડળનું કદ વધ્યું
૧૬ સપ્ટેમ્બરે પાટનગરમાં રાજભવનના પ્રાંગણમાં બપોરે દોઢ વાગે શરૂ થઈને માત્ર ૩૫ મિનિટમાં સંપન્ન થયેલા નવા મંત્રીમંડળના દબદબાભર્યા શપથવિધિ સમારોહમાં ગવર્નર દેવવ્રત આચાર્યએ ૧૦ કેબનિટ મંત્રીઓને, પાંચ રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓને તેમજ નવ રાજ્યકક્ષાના મંત્રીઓને હોદ્દાના તથા ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા. પુરોગામી વિજય રૂપાણી સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત ૧૧ કેબિનેટ મંત્રીઓ અને ૧૧ રાજ્યકક્ષાના મંત્રીઓ હતા. તેની તુલનાએ હવે બે મંત્રીઓ વધ્યાં છે અને મંત્રીમંડળનું કદ મુખ્યમંત્રી સાથે ગણતા ૨૫નું થયું છે.
આ શપથવિધિ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મોટાભાગના મંત્રીઓએ શપથવિધિમાં હાજરી આપી હતી. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સહિત ભાજપના ધારાસભ્યો-સાંસદો તેમજ નવા મંત્રીઓના પરિવારજનોએ સોગંધવિધિમાં હાજરી આપી હતી.
સુરત જિલ્લાનો દબદબો
સુરત જિલ્લાને સૌથી વધુ પ્રાધાન્ય આપતા તેના ૪ ધારાસભ્યો મંત્રી બન્યા છે. અમદાવાદ શહેરને મુખ્યમંત્રી સાથે બીજા બે મંત્રીઓ મળ્યા છે. જ્યારે વડોદરા શહેરને, ભાવનગર જિલ્લાને અને વલસાડ જિલ્લાને બબ્બે તેમજ સુરેન્દ્રનગર - જામનગર - નવસારી - મોરબી - પંચમહાલ - રાજકોટ - મહીસાગર - બનાસકાંઠા - સાબરકાંઠા તથા જૂનાગઢને એક-એક મંત્રી અપાયા છે, બીજી તરફ ૧૬ જિલ્લાને કોઈ જ પ્રતિનિધિત્વ નહીં અપાતાં પ્રાદેશિક અસમતુલા સર્જાઈ છે.
સૌથી વધુ ૭ પટેલ
કુલ ૨૫ સભ્યોનું કદ ધરાવતા નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સાથે કુલ ૭ પટેલો છે, જેમાં ૩ કડવા અને ૪ લેઉઆ પાટીદારો છે, ૩ કોળી-ઓબીસી છે અને બે ક્ષત્રિય છે, બે બ્રાહ્મણ અને બે દલિત છે, ૪ આદિવાસી, ૧ જૈન તેમજ ૪ અન્ય ઓબીસી છે. આમ તમામ જ્ઞાાતિને સ્થાન આપવામાં આવ્યું છે.
મંત્રીઓએ પૂજાવિધિ કરીને ચાર્જ સંભાળ્યો
નવા નિમાયેલા ૨૪ પૈકીના ૨૧ મંત્રીઓએ શપથવિધિના ત્રીજા દિવસે શનિવારે સ્વર્ણિમ સંકુલ પહોંચીને પોતાને ફાળવાયેલી ચેમ્બરમાં પૂજાવિધિ સાથે પ્રવેશ કરીને મંત્રી તરીકેનો વિધિવત્ ચાર્જ સંભાળ્યો હતો. ઘણાં મંત્રીઓએ પરિવારની હાજરીમાં ચેમ્બરમાં પ્રવેશ કર્યો હતો. બાકીના ત્રણ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી, કિરીટસિંહ રાણા અને અર્જૂનસિંહ ચૌહાણ સોમવારે ચાર્જ લીધો હતો. સોમવારથી શ્રાદ્વ પક્ષ શરૂ થતા હોવાથી મંત્રીઓએ શનિવારે જ ચાર્જ લઇ લીધો હતો. ચાર્જ લીધા બાદ મંત્રીઓએ પોતાના વિભાગના અધિકારીઓને બોલાવીને વિભાગની જાણકારી મેળવી, અનેક મુદ્દા પર બેઠકો યોજી હતી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રથમ દિવસે જ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી વિવિધ યોજના અંતર્ગત ૯૦૬ વિદ્યાર્થીઓને રૂ. ૭.૮૩ કરોડની સહાયને મંજૂરી આપી હતી.
મંત્રીઓને ગાંધીનગરમાં જ રહેવા આદેશ
ગુજરાત સરકારમાં નવા બનેલાં તમામ મંત્રીઓને આગામી ૧૫ દિવસ સુધી ગાંધીનગરમાં જ રહેવાનો આદેશ ઉપરથી આવી ગયો છે. તમામ મંત્રીઓએ આ દિવસો દરમિયાન પોતાના વિભાગની કામગીરી સમજી, અધિકારીઓ સાથે બેઠકો કરી, તમામ પદ્ધતિઓ અને આગામી સમયમાં કરવાના કામોની રૂપરેખા અંગે ચર્ચા કરવાની રહેશે. મંત્રીમંડળના તમામ ૨૪ સભ્યોએ ગાંધીનગર છોડીને ક્યાંય જવાનું નથી. આ તમામ મંત્રીઓને ઓફિસો ફાળવાઇ ગઇ છે અને તેમણે સૌએ સોમવારે કાર્યાલયમાં હાજર થઇ જઇ અધિકારીઓ સાથે બેઠકો શરૂ કરી દેવાનું જણાવાયું હતું. હજુ ઘણાં મંત્રીઓ અત્યાર સુધી ધારાસભ્યો જ હતાં તેથી તેઓ સરકારના અધિકારીઓ સાથે ખાસ સંપર્ક ધરાવતાં ન હતા. આ મંત્રીઓએ પોતાના વિસ્તારમાં જવાનું નથી કે ત્યાં તેમના સમર્થકોએ તેમના માન સન્માનમાં રેલી, સરઘસ કે ઉજવણી કરવાના નથી. સાથોસાથ આ દિવસો દરમિયાન ભાજપની એક મીટિંગ મળશે, તેમાં સંગઠનના હોદ્દેદારો અને મંત્રીમંડળની એક સંકલન બેઠક પણ યોજાશે.
પૂર્ણેશ પ્રગટ્યા અને દુષ્યંત કપાયા
નવી સરકારની મંત્રીમંડળની ટ્રેન ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ ફરી એક વખત ચૂકી ગયા છે. શપથવિધિના દિવસે વહેલી સવારથી જ તેમના નામની શક્યતાઓ ચાલી રહી હતી. તેમનું સ્થાન મંત્રીમંડળમાં લગભગ નક્કી થઇ ગયું હતું. આ જ સમયે જેમનું નામ ક્યાંય ચર્ચામાં નહોતું તેવા પૂર્ણેશ મોદી રાજભવનમાં શપથવિધીના સ્ટેજ ઉપર ખુરશી ઉપર બેસેલા દેખાતા સમારોહમાં હાજર સહુ કોઇ આશ્ચર્ય પામ્યા હતા કે સુરત શહેરમાંથી બે નહિ પણ ત્રણ ધારાસભ્યો મંત્રી થઈ રહ્યા છે. ભરૂચમાંથી ઈશ્વર પટેલને પડતા મુકાતા ત્રીજી ટર્મના દુષ્યંત પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ નિશ્ચિત મનાતો હતો. જોકે, તેમને શપથ લેવા માટે કોઈ સુચના મળી નહોતી.
ભાજપમાં થતી ચર્ચા મુજબ નડિયાદના પંકજ દેસાઈ કે દુષ્યંત પટેલની ચર્ચા વચ્ચે મધ્ય ગુજરાતના મહેમદાવાદથી અર્જૂનસિંહ ચૌહાણને શપથ માટે આમંત્રણ મળ્યું હતું. દેસાઈને વિધાનસભાના મુખ્ય દંડક તરીકે યથાવત્ રખાયા છે. તો બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાંથી કોઈને પ્રતિનિધિત્વ ન આપતા નારાજગી વ્યક્ત કરતો સંદેશો મુક્યો હતો.
શપથવિધીમાં સામેલ થવા ભાગ્યશાળી ધારાસભ્યોને ભાજપમાંથી સવારે સાડા નવ વાગ્યાથી ફોન દ્વારા સુચના આપવાનું શરૂ થયું હતું. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં તો અર્જૂનસિંહ ચૌહાણ સહિત ૨૩ને સુચના અપાઈ ગઈ હતી. સ્ટેજ ઉપર ૨૩ ખુરશીઓ મુકાઈ હતી. જોકે, દોઢ વાગ્યાની શપથવિધી શરૂ થાય તે પહેલા જ અચાનક એક ખુરશી વધારી દેવાઈ હતી. બાદમાં પહેલી હરોળની ચાર પૈકી એક ખુરશી પર સુરતના પૂર્ણેશ મોદી બેઠા અને ચોથા ક્રમે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. મીડિયામાં કે ભાજપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા વગર અચાનક જ મોદીને સીધા કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
મોદી અને શાહે શુભેચ્છાઓ પાઠવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે. સૌને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરી ગુજરાતના મંત્રીમંડળમાં મંત્રી તરીકે પદ ગ્રહણ કરનારા તમામ સભ્યોને શુભેચ્છા પાઠવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter