નવી દિલ્હીઃ ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો અંગે સુપ્રીમ કોર્ટે ઝાફરીની અરજી ફગાવીને મોદી સહિત 64 અન્યોને ક્લીનચિટ આપ્યા પછી ગૃહપ્રધાન અમિત શાહે મૌન તોડ્યું હતું.
તેમણે કહ્યું કે, ભગવાન શંકરની જેમ 19 વર્ષ પીએમ મોદી વિષ પીતા રહ્યા હતા. એક પણ શબ્દ બોલ્યા ન હતા. ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં શાહે કહ્યું હતું કે પીએમ મોદી તેમજ આરોપ લગાવનાર અન્ય તમામ લોકોએ પીએમ મોદીની માફી માગવી જોઈએ. સુપ્રીમ કોર્ટનાં ચુકાદાથી સાબિત થયું છે કે તમામ આક્ષેપો રાજકીય ઇરાદા પ્રેરિત હતા.
‘સત્ય શુદ્ધ સોનાની જેમ ચમકી રહ્યું છે’
રમખાણોની તપાસ માટે રચાયેલી એસઆઇટી તેમજ હાલમાં ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછનાં સંદર્ભમાં રાહુલ ગાંધીનું નામ લીધા વિના શાહે ટોણો માર્યો હતો કે, મોદીજી એસઆઇટી સામે નાટક નહોતા કરતા. મોદીજીએ ક્યારેય ડ્રામા નથી કર્યો કે, મારા સમર્થનમાં આવો. ગામેગામથી લોકો આવો, કોઈ ન આવે તો ધારાસભ્યને બોલાવો. સાંસદોને બોલાવો, તત્કાલીન મુખ્યમંત્રી મોદી દરેક વખતે એસઆઇટીને કહેતા હતા કે હું સહયોગ આપવા તૈયાર છું. આપણી પ્રણાલીમાં કોઈ વ્યક્તિ ન્યાયતંત્રનાં દાયરાની બહાર નથી. શાહે કહ્યું કે આખરે સત્ય બહાર આવ્યું છે અને શુદ્ધ સોનાની જેમ ચમકી રહ્યું છે.
શાહે ગુજરાતનાં રમખાણોનાં સંદર્ભમાં કહ્યું કે અમે કાનૂની વ્યવસ્થામાં સહયોગ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત જજનાં વડપણ હેઠળ તપાસ કરવામાં આવી હતી. જેમાં અમને ક્લીનચીટ મળી છે. નાણાવટી આયોગે તેનાં રિપોર્ટમાં નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી હતી. આમ છતાં એસઆઇટીને સહયોગ ભરોસો છે. અમે હંમેશાં તેને સહયોગ આપતા રહ્યા છીએ.
‘આર્મી બોલાવવામાં વિલંબ નહોતો કર્યો’
શાહે કહ્યું હતું કે ગોધરાકાંડ પછી આર્મી બોલાવવામાં ગુજરાત સરકારે લેશમાત્ર વિલંબ કર્યો ન હતો. જેવું લાગ્યું કે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે કે તરત આર્મી બોલાવવાનો નિર્ણય લેવાયો હતો જ્યારે 1984ના શીખ રમખાણો વખતે કોંગ્રેસની સરકારે ત્રણ દિવસ પછી સેના તહેનાત કરી હતી. ત્યાં સુધીમાં હજારો શીખોની દિલ્હીમાં કત્લેઆમ ચલાવવામાં આવી હતી.


