અમદાવાદઃ નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં દેશનું વડા પ્રધાન સંભાળ્યા બાદ અમદાવાદને અત્યાર સુધીમાં ચાર રાષ્ટ્રોના વડા – પ્રમુખ કે વડા પ્રધાનના યજમાન બનવાનું સૌભાગ્ય સાંપડયું છે. હવે ૨૪ ફેબ્રુઆરીએ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન થઇ રહ્યું છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા કે તરત જ સપ્ટેમ્બર ૨૦૧૪માં અમદાવાદના આંગણે ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગનું આગમન થયું હતું. આ પછી સપ્ટેમ્બર ૨૦૧૭માં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે, જાન્યુઆરી ૨૦૧૮માં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ અને ફેબ્રુઆરી ૨૦૧૮માં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અમદાવાદ આવ્યા હતા. ચીનના પ્રેસિડેન્ટ, જાપાન-ઇઝરાયલના વડા પ્રધાનને આવકારવા ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ પહોંચ્યા હતા. હવે ડોનાલ્ડ ટ્રમ્પ વખતે વડા પ્રધાન પણ ખાસ હાજર રહી રોડ શો પણ યોજવાના છે.
સળંગ ચોથા યુએસ પ્રેસિડેન્ટ ભારત પ્રવાસે
અમેરિકા સાથે ભારતના ઘનિષ્ઠ બની રહેલા સંબંધોનો સંકેત એ હકીકતથી પણ આવે છે કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ અમેરિકાના સળંગ ચોથા પ્રેસિડેન્ટ છે જેઓ ભારતની મુલાકાત લઈ રહ્યા છે. આમાં, પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનથી ટ્રમ્પ સુધીનાનો સમાવેશ થાય છે. ક્લિન્ટન બાદ જ્યોર્જ બુશ, બરાક ઓબામા અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ એમ ઉત્તરોત્તર અમેરિકાના પ્રેસિડેન્ટ બનનારા દરેક મહાનુભાવોએ તેમના કાર્યકાળમાં ભારતની મુલાકાત લીધી છે.


