મોદીએ સરદારની પ્રતિમાના સાનિધ્યમાં રાષ્ટ્રીય એક્તાની શપથ લેવડાવ્યા

Wednesday 04th November 2020 03:49 EST
 
 

ગાંધીનગરઃ સરદાર જયંતી પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ પ્રતિમાની પદપૂજા કરીને ભાવસભર આદરાંજલિ અર્પી હતી. તેમણે સરદારની પ્રતિમાનું પુષ્પપૂજન કરવાની સાથે આ રાષ્ટ્રશિલ્પીની ભાવવંદના કરી હતી તેમજ આમંત્રિતોને રાષ્ટ્રીય એક્તાના શપથ પણ લેવડાવ્યા હતા. દેશભરમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના પ્રણેતા સરદાર સાહેબની જન્મ જયંતીની ઉજવણી ‘રાષ્ટ્રીય એક્તા દિવસ’ તરીકે કરવામાં આવે છે.
સરદારની પ્રતિમાના સાંનિધ્યમાં રાજ્યની પોલીસ, અર્ધલશ્કરી દળો, વિવિધ સુરક્ષા એજન્સીઓએ શિસ્તસભર પરેડ રજૂ કરીને અનોખી ધ્વજ સલામી થકી વડા પ્રધાનને આદર આપ્યો હતો. આ પરેડમાં સેન્ટ્રલ ઇંડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ઉપરાંત ગુજરાત પોલીસ બેન્ડે શૌર્યસભર સુરાવલીઓ લહેરાવી હતી.
વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા નિર્દેશિત થયેલી ‘એક્તા પરેડ’નું બીજું પણ એક આકર્ષણ હતું. જેમાં આરપીએફ, આઈટીબીપી, એનડીઆરએફ, બીએસએફ, એનએસજી તથા સીઆરપીએફ દ્વારા નિર્મિત કોમ્બેટ વ્હિકલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તબક્કે ગુજરાત પોલીસનું ‘બોમ્બ ડિસ્પોઝલ પ્રોટેક્શન વેહિકલ’ (બીડીપીવી) તથા સીઆરપીએફનું ‘વિમેન વોરિયર્સ’ની છઠ્ઠી બટાલિયને પણ મંત્રમુગ્ધ કરતા કૌશલ્યો દર્શાવ્યા હતા.
ગુજરાત સરકારના યુવક-સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ડેડિયાપાડા તથા સાગબારાના આદિવાસી યુવાઓએ કોવિડ-૧૯ની ગાઈડલાઈન જાળવીને પરંપરાગત ‘ડાંગ નૃત્યો’ રજૂ કર્યાં હતા જ્યારે વાયુસેનાના લડાકુ વિમાન જગુઆરે તેજ ઉડાન સાથે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter