• અમદાવાદથી બેંગકોકની સીધી ફ્લાઇટઃ અમદાવાદથી બેંગકોક જતાં મુસાફરો માટે એર ઇન્ડિયાએ સીધી ફ્લાઇટ એઆઇ ૩૩૦ શરૂ કરી છે. જે અમદાવાદથી રોજ રાત્રે ૯.૧૫ કલાકે ઉપડી સવારે ૭.૨૦ કલાકે બેંગકોક પહોંચશે. ફ્લાઇટ અમદાવાદથી મુંબઈ જશે અને ત્યાં ૩ કલાક રોકાશે પછી બેંગકોક જશે. એજ રીતે વળતા આ ફ્લાઇટ રોજ રાત્રે ૮.૩૦ કલાકે બેંગકોકથી ઉપડી ડાયરેક્ટ પરોઢિયે ૨.૫૦ કલાકે અમદાવાદ પહોંચશે.
• પ્રમુખસ્વામીના જન્મદિનની ઉજવણી અમદાવાદમાં છ દિવસ સુધી થશેઃ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજ ૨૯ નવેમ્બરે ૯૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે અમદાવાદના સત્સંગ મંડળના હજ્જારો હરિભક્તો બાપાના જન્મદિને પોતાના ઘરે છ દિવસ સુધી દિવાળી પર્વ જેવી ઉજવણી કરશે, તેવું શાહીબાગ મંદિરના સાધુ બ્રહ્મપ્રકાશદાસે કહ્યું હતું.
• સસ્પેન્ડેડ IPSને પુનઃ ફરજ પર લેવાયાઃ સોરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસના સાક્ષી તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં જામીન પર છૂટેલા સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી ડો. વિપુલ અગ્રવાલને ગુજરાત પોલીસતંત્રમાં પુનઃ ફરજ પર લેવાયા છે. પ્રજાપતિના અંબાજી પાસે થયેલા એન્કાઉન્ટરમાં અગ્રવાલની ભૂમિકા હોવાનું તપાસમાં જણાયું હતું અને ૨૦૧૦માં તેમની ધરપકડ થઇ હતી.