અમદાવાદઃ વરિષ્ઠ પત્રકાર ઉદય માહુરકરના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસન અને કામ કરવાની પદ્ધતિ પરનાં ૩ પુસ્તકોનાં વિમોચનનો કાર્યક્રમ બીજી સપ્ટેમ્બરે અમદાવાદના પંડિત દીનદયાળ હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાજકીય લોકો પર ભરોસો ઓછો હોય છે અને રાજકારણીની શાખની કસોટી થતી રહે છે ત્યારે આવા પુસ્તકો દ્વારા તેમની કામગીરી દર્શાવી રાજકીય નેતાઓમાં મૂકેલો વિશ્વાસ જળવાય તેવું કામ થવા પામ્યું છે. આ પુસ્તકોમાં વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કાર્યપદ્ધતિ અને ગુડ ગવર્નન્સને આલેખાયાં છે, જે રાજ્ય અને દેશના વહીવટીતંત્ર માટે માર્ગદર્શક બની રહેશે.
કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, મોદી પરનાં પુસ્તકો નવી પેઢીને રાજકારણમાં આવવાની પ્રેરણા પૂરી પાડે છે. કારણકે ટેકનોલોજી વિદેશથી લાવી શકાશે પરંતુ નેતૃત્વ ખૂટતું હશે તો વિદેશથી લાવી શકાશે નહીં. કથાકાર ભાઇશ્રી રમેશ ઓઝાએ કહ્યું કે, વડા પ્રધાનને નોટબંધી જેવા લીધેલા હિંમતપૂર્વકના નિર્ણયો દર્શાવે છે કે તેઓ જે કરે છે પોતાના માટે નહીં પણ દેશ માટે કરી રહ્યા છે. માહુરકર લિખિત પુસ્તકો ‘માર્ચિંગ વિથ અ બિલિયન-મોદી સરકાર@મીડ ટર્મ’, ‘નરેન્દ્ર મોદી આર્ટ ઓફ ગવર્નન્સ’ અને ‘માર્ચિંગ વિથ અ બિલિયન-એનેલાઇઝીંગ નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ એટ મીડ ટર્મ’ આ પુસ્તકોમાં મોદી સરકારેલા કામ-નિર્ણયોના આધારે તેમના ૩ વર્ષના કામના લેખાંજોખાં, મોદી શાસન પૂર્વે અને પછીની સ્થિતિ તથા મોદીના વ્યક્તિત્વના વિવિધ પાસા છે. ચોક્કસ મુદ્દાને લગતી
ખામીઓ પણ પુસ્તકમાં નોંધવામાં આવી છે.


