મોદીનું ગુજરાતના સાંસદોને હોમવર્કઃ ભાજપની નબળી - ઓછા મતોથી ગુમાવેલી બેઠકોનાં કારણો શોધો

Friday 25th March 2022 05:59 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં 30થી વધુ બેઠકો એવી છે કે, જે કોંગ્રેસનો ગઢ ગણાય છે. તો કેટલીક બેઠકો એવી ય છે જે પાતળી સરસાઇથી કોંગ્રેસ જીતી છે. આ નબળી અને ઓછા મતોથી ગુમાવેલી બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કરવા વડા પ્રધાન મોદીએ ગુજરાત સાંસદોને તાકીદ કરી છે. આ બેઠકો પર ભાજપ કેમ હારે છે તેના કારણો શોધવા પણ ભાજપના સાંસદોને તાકીદ કરાઇ છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ કરી છે. ઉત્તર પ્રદેશ સહિતના ચાર રાજ્યોમાં જવલંત વિજય બાદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ, ધારાસભ્યો ઉપરાંત સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યુ હતું. રાજ્યસભાના સભ્યો ઉપરાંત સાંસદોને નબળી બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કરવા મોદીએ તાકીદ કરી છે.
મળતા અહેવાલ પ્રમાણે ઓછા મતોથી હારતી બેઠકો પર 100-100 બુથો અલગ તારવીને વધુ મતદાન થાય તે દિશામાં મઇક્રો પ્લાનિંગ કરવામાં કહેવાયુ છે. સાથે સાથે જે બેઠકમાં આયુષ્યમાન કાર્ડ, ઇ શ્રમ કાર્ડ સહિતની અનેક સરકારી યોજનાનો લોકો લાભ લઇ રહ્યા છે. આમ છતાંય અમુક વિસ્તારો, બુથોમાં કેમ મતદારો ભાજપને મત આપતા નથી તેના કારણો શોધવા પણ જણાવાયુ છે.
નબળી અને ઓછા મતોથી ગુમાવેલી બેઠકોની જવાબદારી રાજ્યસભાના સાંસદો, ધારાસભ્યોને સોંપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. અત્યારથી જ સરકારી યોજનાનો વધુને વધુ પ્રચાર થાય તે માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter