નવીદિલ્હી: લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય અને એક પક્ષીય સરકાર રચાય તે માટે ‘ગ્લોબલ ઇન્ડિયન્સ ફોર ભારતીય વિકાસ’ના નેજા હેઠળ પાંચ હજાર જેટલા એનઆરઆઈ અને એનઆરજી જનસંપર્ક મહાઅભિયાન હાથ ધરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી ‘ગ્લોબલ ઇન્ડિયન્સ ફોર ભારતીય વિકાસ’ના ઉપપ્રમુખ છે. તેઓએ પહેલીએ જાહેર કર્યું હતું કે, ગામડે-ગામડે જઇ મતદાન માટે નાગરિકોને જાગ્રત કરવામાં આવશે. ગુજરાત સહિત ભારતમાં જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. જ્ઞાતિ-જાતિથી ઉપર ઊઠીને રાષ્ટ્રની ચિંતા કરી મતદાન કરવા માટે મતદારોને વિનંતી કરીશું અને વધુમાં વોટિંગ થાય એવા પ્રયાસો કરીશું. આખા હિન્દુસ્તાનમાં દરેક રાજયમાં અમે જઇશું અને એક પક્ષની સરકાર બને એવા પ્રયાસ કરીશું.
કેટલાક સમયથી ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષને કારણે નેશનલ પાર્ટીનું વજન ઓછું થઇ રહ્યું છે એમ જણાવતાં સોમાભાઇએ કહ્યું હતું કે, પૂર્ણ બહુમત ધરાવતી સરકાર બને તો હોર્સ-ટ્રેડિંગ ન થાય એવો પ્રયાસ છે અને એ માટે ચૂંટણીના માહોલમાં નાગરિકોને જાગ્રત કરીશું. ૨૦૧૪માં ભાજપને બહુમતી મળી પણ એજન્ડાના કામમાં રૂકાવટ આવે છે. ૪ વર્ષમાં સંસદ કેટલાક દિવસ ન ચાલી. છેલ્લે બહુમતી હતી એનાથી પણ વધુ સીટો ભાજપને મળે અને એવી સરકાર બને કે સંસદમાં ધાંધલ ઓછી થાય અને દેશનાં કામ થાય.
રામમંદિરને મુદ્દે તેમણે વધુ નહીં બોલતાં એટલું જ કહ્યું કે રામમંદિર બનશે તો દર્શન કરવા જઇશ. ‘ગ્લોબલ ઇન્ડિયન્સ ફોર ભારતીય વિકાસ’નાં સભ્ય અંજલિ પંડયાએ કહ્યું કે, લોકસભાની ચૂંટણી માટે મતદારોને જાગ્રત કરવા માટે ન્યૂ ઝીલેન્ડ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિત અન્ય દેશોમાં રહેતા ગુજરાતીઓ-ભારતીયો ભારત આવશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની રાજકીય દિશા ‘ગ્લોબલ ઇન્ડિયન્સ ફોર ભારતીય વિકાસ’ રાષ્ટ્રધર્મની વાત કરે છે એની પૂર્તિ પણ કરે છે. આ પ્રકારની લાગણી ધરાવતા ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી અનેક ભારતીયો જનસંપર્ક મહાઅભિયાનમાં જોડાશે. એક બિનરાજકીય જનચેતનાને રાષ્ટ્રકારણ સાથે જોડવાનો આ મહાયજ્ઞ છે.


