મોદીનો ૧૭મીનો ગુજરાત પ્રવાસ રાજકીય-સામાજિક હશે

Wednesday 14th September 2016 07:30 EDT
 
 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિને ૧૭મી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે છે. મોદી જીવનના ૬૬માં વર્ષમાં પ્રવેશ કરશે. આ પ્રવાસ તેમનો રાજકીય-સામાજિક બની રહેશે. પ્રોટોકોલ મુજબ તેમનો અમદાવાદ એરપોર્ટ પરનો સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે, પણ પ્રાથમિક માહિતી મુજબ, મોદી એરફોર્સના વિમાનમાં દિલ્હીથી અમદાવાદ ૧૭મીએ આવી પહોંચશે. જન્મદિવસ નિમિત્તે તેમનાં માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર જશે.
મોદીના ભાઇ પ્રહલાદભાઈની દીકરી નિકુંજનું તાજેતરમાં જ અવસાન થયું હોવાથી તેઓ ભાઈને ત્યાં પ્રહલાદનગર નિવાસ સ્થાને જશે. ત્યાંથી તેઓ અમદાવાદ એરપોર્ટ (ગુજસેલ) પરથી હેલિકોપ્ટર દ્વારા નવસારી-દાહોદમાં દિવ્યાંગોના કિટ વિતરણ ઉદ્ઘાટનમાં હાજરી આપશે. નવસારી કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ હેલિકોપ્ટરથી સુરત એરપોર્ટ પર આવશે જ્યાં તેઓ એરફોર્સના વિમાનમાં સીધા જ દિલ્હી રવાના થશે. આ દિવસે અમદાવાદ એરપોર્ટની આસપાસ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
પસ્તીદાનનો વર્લ્ડ રેકર્ડ
મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ આવશે એ દિવસે પસ્તીદાનનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવનાર છે. તેમાં પસ્તીદાન થકી એકઠી થયેલી રકમનો ચેક મોદીને વડા પ્રધાન રિલીફ ફંડમાં અર્પણ કરવામાં આવશે. આ રેકોર્ડ માટે શહેરમાં લોકોના ઘરે ઘરે જઇને પસ્તી એકઠી કરવાનું કાર્ય પણ શરૂ થયું છે. પસ્તીદાન થકી રૂ. ૨૦ લાખ કરતાં વધુ રકમ એકત્ર કરવાનો લક્ષ્યાંક હાલમાં નક્કી કરાયો છે.
હાલમાં રેકર્ડ મુંબઇના નામે છે
મુંબઇવાસીઓના નામે પસ્તીદાન માટેનો વર્લ્ડ રેકોર્ડ છે. તેમાં મુંબઇવાસીઓએ અગાઉ રૂ. એક લાખ ૧૩ હજાર કિલો પસ્તી એકઠી કરી હતી.
જ્યારે સુરતવાસીઓ દ્વારા અત્યાર સુધીમાં રૂ. એક લાખ ૩૦ હજાર કિલો પસ્તી એકઠી કરી છે. જયારે પસ્તીદાનનો કાર્યક્રમ ૧૬મી સપ્ટેમ્બરના રોજ પૂરો કરી દેવામાં આવે તે પહેલાં મુંબઇવાસીઓનો વર્લ્ડ રેકોર્ડ સુરતના નામે થવાની શકયતા છે.
૧૦ હજાર લોકોનું પસ્તીદાન
પસ્તીદાન કાર્યક્રમમાં લોકોના ઘરે ઘરે જઇને પસ્તી ઉઘરાવવામાં આવે છે. અત્યાર સુધી ૬૭૦૦ લોકોએ પસ્તીદાન કર્યું છે. તેમાં જે લોકો પસ્તીદાન કરે છે તેઓના નામની નોંધણી પણ કરવામાં આવે છે. જ્યારે આગામી દિવસોમાં આંકડો ૧૦ હજારની આસપાસ પહોંચે તેવી પણ શકયતા રહેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter