મોરબીઃ મોરબીમાં વર્ષ ૨૦૧૦ના લૂંટ વિથ ડબલ મર્ડર કેસનો ૨૨મીએ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં ચારને આજીવન કેદ અને ૭ને નિર્દોષ જાહેર કરાયા હતા. ૨૦ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ ભુજ તળાજા રૂટની બસમાં કેટલાક લૂંટારુઓ મુસાફર બનીને ચડી બેઠા હતા. મોરબી માળિયા હાઇવે ઉપર નાગડાવાસા ગામ નજીક બસમાં જ ભુજની આંગડિયા પેઢીના કર્મચારીની તેમજ બસના ડ્રાઇવરની હત્યા કરીને લૂંટારુઓએ રૂ. ૪૫ લાખની લૂંટ ચલાવી અને બસમાંથી ઉતરીને ઇન્ડિકા કાર ઉઠાવી પલાયન થયા હતા. આ ઉપરાંત આ ગેંગે પાટડી નજીક પોલીસ પર ગોળીબાર પણ કર્યો હતો. લૂંટ અને મર્ડર કેસમાં કુલ ૧૩ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાંથી ૧૧ આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. જોકે બે આરોપીઓ હજુ પણ ફરાર છે.
આ કેસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટે ૭ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે જ્યારે ૪ આરોપીઓ મધ્ય પ્રદેશના રૂસ્તમસિંગ ઉર્ફે બબલુ રવિન્દ્રસિંહ, અલ્કેશ ઉર્ફે અખિલેશ ઉર્ફે દલબીરસિંહ ઉદલસિંહ ભદુરિયા, રૂપેન્દ્ર ઉર્ફે રૂપેશ ઉર્ફે બિપિન મિશ્રા અને સાણંદના આબિદખાન ઉર્ફે સાયો ઇજમલખાન પઠાણને આજીવન કેદ ફટકારી છે.

