મુંબઈઃ પૂ. મોરારિબાપુએ મુંબઈની બદનામ ગલી મનાતા કમાઠીપુરા (૧૨મી ગલી)માં જઇને ગણિકાઓને રામકથાનું આમંત્રણ આપતાં લાગણીભીના દૃશ્યો સર્જાયા હતા.‘ હંમેશાં દીકરીઓ પિતાને ઘેર જાય છે, આજે હું દીકરીને ઘેર આવ્યો છું’ એમ પૂ. મોરારિબાપુએ કહ્યું ત્યારે ગણિકાઓની આંખો ભીની થઈ ગઈ હતી. ૨૦૦થી વધુ ગણિકાઓ ગુરુવાર - ૧૩ ડિસેમ્બરે પૂજ્ય બાપુને સાંભળવા માટે આવી પહોંચી હતી.
રામજન્મભૂમિ અયોધ્યામાં ૨૨થી ૩૦મી ડિસેમ્બર દરમિયાન માનસ ગણિકા (નગરવધૂ) પર પૂ. મોરારિબાપુના કથાવાચનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ નગરવધૂઓ હાજર રહે એવો પ્રયાસ પૂ. મોરારિબાપુ કરી રહ્યા છે. મુંબઈના કામાઠીપુરામાં નગરવધૂઓને આ કથાવાચન કાર્યક્રમનું નિમંત્રણ આપવા માટે ખુદ પૂ. મોરારિબાપુ પહોંચ્યા ત્યારે હંમેશાં અંધકારમય રહેતી આ ગલીઓ પ્રકાશમાન બની ગઈ હતી. હંમેશાં ગ્રાહકોની રાહ જોતી ગણિકાઓને આજે જાણે બાપુના આગમનની ભારે ઉત્સુકતા હતી એવું વાતાવરણ હતું.
‘આ તુલસી ગલી છે’
મોરારિબાપુએ કહ્યું હતું કે અહીં આવ્યો તે મારે માટે એક યાત્રા છે. આ ગલી જે ઓળખ ધરાવે છે તે જે પણ હોય, પરંતુ મારે માટે આ તુલસી ગલી છે. તમે ક્યારેય પોતાને નિમ્ન કે અધમ ના સમજો. તમે જે પણ ધર્મના હો, પોતાના ઈષ્ટદેવ ભગવાનનું નામ લો. તેનાથી અધમમાં અધમ માણસનો પણ ઉદ્ધાર થાય છે. હું આ રામકથા અયોધ્યામાં કરવાનો છું, પરંતુ તેનું મંગળાચરણ અહીં થયું છે...’