ગાંધીનગરઃ ઇન્દોર ક્રાઇમ બ્રાંચે ૬૦થી વધુ ગુનામાં સંડોવાયેલા અને હની ટ્રેપ કેસ માટે જાણીતા જીતુ સોનીને ૨૮મી જૂને અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ફાર્મ હાઉસમાંથી પકડ્યો હતો. મધ્ય પ્રદેશના ભાજપ - કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષમાં સારા સંપર્કો ધરાવતા અમરેલીના જ જીતુ સામે જમીન પચાવી પાડવાના, બ્લેકમેઇલિંગ, દુષ્કર્મ, હ્યુમન ટ્રાફિકિંગ, ખંડણી માંગવાના અને છેતરપિંડીના અનેક ગંભીર ગુના નોંધાયેલા છે.
જીતુના આરોપી ભાઈએ જ માહિતી આપી
છેલ્લા છ મહિનાથી ફરાર જીતુ માટે મધ્ય પ્રદેશ પોલીસે રૂ. ૧.૫ લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. જીતુના ભાઇ મહેન્દ્રને તાજેતરમાં ઇન્દોર ક્રાઇમ બ્રાંચે સાવરકુંડલથી પકડ્યો હતો. મહેન્દ્રએ આપેલી માહિતીના આધારે પોલીસે જીતુને પકડ્યો હતો. જીતુ ઇન્દોરનો બિઝનેસમેન હતો અને સાંઝા લોકસ્વામી નામનું અખબાર પણ પ્રકાશિત કરતો હતો. આ અખબારે એક હાઇ પ્રોફાઇલ હની ટ્રેપ રેકેટની ઓડિયોની ટ્રાન્સસ્ક્રિપ્ટ પ્રકાશિત કરી હતી તેથી મધ્ય પ્રદેશના રાજકારણીઓ, અધિકારીઓ અને પોલીસની લોબીમાં ખળભળાટ મચ્યો હતો. તેની સામે ઇન્દોરમાં ધડાધડ ૬૦ જેટલા ગુના નોંધાયા હતા. આ ગુના નોંધાતાં જીતુના પુત્ર અને મેનેજરને પકડવામાં આવ્યા હતા ત્યારે જીતુ તથા તેનો ભાઇ ફરાર થઇ ગયા હતા.
ગુના નોંધાતા જ જીતુની હોટલ કમ ડાન્સ બાર, પૈતૃક મકાન વગેરે જેવી મિલકતનો કેટલોક ભાગ દબાણ હેઠળ તોડી નંખાયો હતો. ઇન્દોરમાં પ્રાથમિક તપાસમાં જણાયું કે ફરાર જીતુ ગુજરાતના અમરેલી, સાવરકુંડલા અને અમદાવાદ જેવા શહેરો ઉપરાંત મુંબઇમાં પણ રોકાયો હતો. જીતુને પકડવા પોલીસે કુલ ૧૨ ટીમો બનાવી હતી.
પોલીસે રેડ કરી ત્યાં ૬૭ મહિલા બંધક હતી
ડિસેમ્બર, ૨૦૧૯માં પોલીસ જ્યારે જીતુની હોટલમાં રેડ પાડવા ગઇ તેની મિનિટો પહેલાં સોની અને તેનો ભાઇ ભાગી જવામાં સફળ રહ્યાં હતાં. જોકે તે સમયે પોલીસને તેની હોટલમાંથી કુલ ૬૭ મહિલાઓ મળી હતી. તે તમામને હ્યુમન ટ્રાફિકિંગના ભાગરૂપે ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રખાઈ હોવાનું જણાયું હતું.
લેપટોપમાંથી ઓડિયો-વીડિયો ક્લિપ મળી
જીતુએ જે ટેપની ટ્રાન્સસ્ક્રિપ્ટ પ્રકાશિત કરી હતી. તેમાં હની ટ્રેપ કરનારી છોકરીઓએ ભાજપની અગાઉની શિવરાજસિંહ ચૌહાણની સરકારના ઉચ્ચ આઇએએસ અધિકારીઓ, રાજકારણીઓ અને સરકારના સિનિયર એડવાઇઝરો સાથે વાત કરી હતી. આ હની ટ્રેપમાં ફસાયેલા રાજકારણીઓમાં મધ્ય પ્રદેશ ભાજપની સરકારના એક પૂર્વ પ્રધાન અને એક તત્કાલીન વરિષ્ટ પ્રધાન પણ સમાવિષ્ટ હતા. એવા રિપોર્ટ મળ્યા હતા. જીતુ સોનીનો હની ટ્રેપ કેસ પ્રકાશમાં આવ્યા પછી ૭ મહિના પહેલાં દરોડા પડાયા ત્યારે જીતુના લેપટોપમાંથી ચાર હજાર ઓડિયો વીડિયો ક્લિપ અને ચેટના સ્ક્રીન શોટ મળી આવ્યા હતા. આ ઉપરાંત રૂ. ૧૫૦ કરોડની જમીનના દસ્તાવેજ અને ૩૭ કારતૂસો પણ મળ્યા હતા.