મોહનસિંહનો પુત્રપ્રેમઃ કોંગ્રેસ સાથે પાંચ દસકાનો નાતો તોડ્યો!

Wednesday 16th November 2022 05:17 EST
 
 

વડોદરાઃ કોંગ્રેસના સિનિયર આદિવાસી નેતા અને 10 ટર્મ ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવા કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઇ ગયા છે. તે પછી તેમણે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યને ધારાસભ્ય પદેથી રાજીનામું સોંપી દીધું હતું. 50 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત અને મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારના મોટા ગજાના નેતા એવા છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના રાજીનામાથી ચૂંટણી ટાણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સૂત્રો મુજબ છોટાઉદેપુર બેઠક પર મોહનસિંહ રાઠવાએ પોતાના પુત્ર રાજેન્દ્ર રાઠવા માટે ટિકિટનો વાયદો લીધા બાદ ભાજપમાં જોડાયા છે. 32 વર્ષથી ભાજપ આ દિવસની રાહમાં હતો.
મોહનસિંહના સુખરામ રાઠવા સાથેના પારિવારિક સંબંધોનું સમીકરણ કેવું રહેશે?
મોહનસિંહને તેમના પુત્ર સાથે ભાજપમાં લાવવાનું ઓપરેશન ભાજપના નેતા અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પાર પાડ્યું હતું. હવે છોટાઉદેપુર બેઠક પર રાજેન્દ્ર રાઠવા ચૂંટણી લડશે જ્યારે તેમના સસરા અને મોહનસિંહના વેવાઇ એવા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા પાવી જેતપુર બેઠક પરથી ચૂંટણી લડશે.
મોહનસિંહથી ભાજપને શું ફાયદો થશે?
મોહનસિંહ 1972થી રાજકારણમાં સક્રિય છે. તેઓ છોટાઉદેપુરના મહત્ત્વના આદિવાસી પોકેટના અગ્રણી નેતા છે. આદિવાસી વિસ્તારોની 27 બેઠકો પર હજુ સુધી ભાજપ કોંગ્રેસ કરતા પાછળ રહ્યો છે. 2017માં આદિવાસી બેઠકોમાં 15 કોંગ્રેસને અને 09 ભાજપને મળી હતી. તેથી જ વડાપ્રધાન મોદીએ આ વખતે ચૂંટણી અભિયાનની શરૂઆત આદિવાસી વિસ્તાર કપરાડાથી કરી હતી. મોહનસિંહના ભાજપમાં આવવાથી આદિવાસી મતોને આકર્ષવામાં ભાજપને મોટી મદદ મળી રહેશે એવું અનુમાન છે.
મોહનસિંહનું રાજકીય કદ કેટલું?
યાદ રહે કે 1975માં મોહનસિંહ રાઠવાએ તત્કાલિન કદાવર નેતા ચીમનભાઈ પટેલને જેતપુર વિધાનસભા બેઠક પર 25 હજાર મોતની જંગી સરસાઈથી હરાવ્યા હતા. એ પછી બાબુભાઈ પટેલની સરકારમાં મોહનસિંહને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકેનો શિરપાવ મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter