મ્યુઝિકની મજા વગર જ ઉત્તરાયણની ઉજવણી

Monday 18th January 2021 10:14 EST
 
 

અમદાવાદઃ કોરોનાના આ કાળમાં છેલ્લા ૧૦ મહિનાથી તમામ તહેવારોની ઉજવણી પર ગ્રહણ લાગ્યું છે એવામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બંને દિવસ દરમિયાન પવનની સાનૂકૂળ ગતિથી પતંગરસિયાઓને જલસા પડી ગયા હતા. ઉત્તરાયણના બે દિવસ લોકોએ પતંગ ઉડાડીને મજા તો લીધી હતી, પણ ‘ડીજેવાલે બાબુ મેરા ગાના ચલા દો...’ જેવા ધમાલિયા ગીતો વગર વર્ષ ૨૦૨૧ની ઉત્તરાયણ પતંગરસિયાઓ માટે સાવ નીરસ રહી હતી. લોકોએ એ પણ સવાલ ઊઠાવ્યો હતો કે, કોરોનાને અને સંગીતને શું લેવા-દેવા?, પણ લોકોએ દિવસભર પતંગ ઉડાડી પછી સાંજે ફટાકડાની આતશભાજીની મજા લીધી હતી. પૂર્વ અને કોટ વિસ્તાર સહિતના અમદાવાદ શહેરમાં લોકોએ ૨૦૨૦ની કોરોનાની યાદો ભૂલીને ૨૦૨૧નું આ પ્રથમ પર્વ ઉત્સાહભેર બનાવ્યું હતું જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ઉત્તરાયણનો માહોલ ઓછો જોવા મળ્યો હતો. મોટાભાગના ધાબાઓ તેમજ અગાસીઓ સૂમસામ હતી. ઉત્તરાયણના બે દિવસમાં સાંજ પડતાં જ આકાશમાં આતશબાજી શરૂ થઈ જતી હતી.
ઉત્તરાયણમાં દોરીથી કપાવા-ધાબેથી પડવાના ૨૬૬ બનાવ
રાજ્યમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી ગળું કપાવાના કે ધાબેથી પડી જવાના ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને ૨૧૦ કેસ મળ્યા હતા. બીજા દિવસે વાસી ઉત્તરાયણે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આ પ્રકારના ૫૬ કેસ નોંધાયા હતા. ઉત્તરાયણમાં દોરીથી ઘવાયેલા, ધાબેથી કે ઊંચાઈથી પડી જવાના બે દિવસમાં ૨૬૬ કેસ નોંધાયા હતા. બીજી બાજુ ઉત્તરાયણના દિવસે ૧૦૮ને કુલ ૩૩૫૯ કોલ મળ્યા હતા. ગત વર્ષે ઉત્તરાયણમાં આ આંકડો ૩૪૭૮ હતો, સામાન્ય દિવસોમાં ૨૫૨૨ કોલ મળતાં હોય છે.
ઉત્તરાયણે અમદાવાદમાં ૧૦૮ને ૭૭ કોલ મળ્યા હતા, જેમાં ૨૨ લોકો ધાબા પરથી પટકાવાના, ૨૮ને દોરીને કારણે ઈજા થવાના હતા. વડોદરામાં ૨૦, રાજકોટમાં ૧૬, સુરતમાં ૧૪ કોલ દોરીથી ઈજા કે ધાબેથી પડવાના હતા. ચાઈનીઝ દોરી પર તંત્રે પાબંદી લગાવી હતી, જોકે આ પાબંદી માત્ર કાગળ પર રહી હતી આ કારણસર ચાઈનીઝ દોરીથી ગળું કપાવાના કેસો સામે આવ્યા હતા. વાસી ઉત્તરાયણે ગુજરાતમાં ૧૦૮ને દોરીથી ઈજા થવાના ૩૪ કેસ મળ્યા હતા જ્યારે ધાબેથી પડી જવાના ૨૬ કેસ મળ્યા હતા. વાસી ઉતરાણે અમદાવાદમાં દોરીથી ઈજાના ૧૪, ધાબેથી પડી જવાના ૧૨ કેસ નોંધાયા હતા. મકરસંક્રાંતિના તહેવારમાં ૧૩મી જાન્યુઆરીએ રાતે અમદાવાદ આવેલા ગૃહ પ્રધાન અમિત શાહ ૧૪મીએ સવારે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા હતા. એ પછી તેમણે થલતેજમાં મેપલ ટ્રી તેમજ ઘાટલોડિયામાં અર્જુન ટાવર ખાતે પરિવાર સાથે પતંગ ચગાવીને ઉતરાણની ઉજવણી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter