ગાંધીનગરઃ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ‘એક વોર્ડ, એક ઉમેદવાર’ની માગ સાથે થયેલી પિટિશનના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આ ચૂંટણીઓ પર અગાઉ મુકેલા સ્ટેને વધુ ૨૪ નવેમ્બર સુધી લંબાવ્યો છે. જેના કારણે આ ચૂંટણીઓ હવે વર્ષ ૨૦૧૬માં જ યોજાય તેવી સંભાવનાઓ વધી છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે ચલમેશ્વર અને જસ્ટિસ અભય સાપરેની ખંડપીઠ સમક્ષ ગુજરાત સરકાર તરફથી જવાબ ફાઈલ કરવા હજુ વધુ ૧૦ દિવસનો સમય માંગવામાં આવતાં કોર્ટે સુનાવણી ૨૪ નવેમ્બરે નિશ્ચિત કરી અને ત્યાં સુધી અગાઉની મુદતે રાજ્યમાં પાલિકાઓની ચૂંટણી પર ફરમાવેલો મનાઈ હુકમ ચાલુ રાખવાનો પણ આદેશ કર્યો હોવાનું પિટિશન કરનાર અને વડોદરાના પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું.
જોકે, કોંગ્રેસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી સમયસર યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. જોકે, બંને મુખ્ય પક્ષે ચૂંટણીની તૈયારી શરૂ કરી છે.
• ગુજરાતમાં નવી પ્રવાસન નીતિ જાહેરઃ ગુજરાત સરકારે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નવી પ્રવાસન નીતિ જાહેર કરી છે. આ નીતિ ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી અમલમાં રહેશે. છેલ્લે ૨૦૦૫થી ૨૦૧૦ સુધીની પ્રવાસન નીતિ મોદી સરકારે અમલમાં મૂકી હતી. નવી નીતિમાં પહેલી વાર પ્રવાસન પ્રોજેક્ટને ઉદ્યોગનો દરજ્જો અપાયો છે. આ નીતિથી નવી સ્થપાનારી મોટી હોટેલોને જંગી ફાયદો થશે. અત્યારે ડોમેસ્ટિક ટૂરિઝમમાં દેશમાં ગુજરાતનો ૮મો નંબર છે તે પાંચમા સ્થાને લાવવા ગુજરાત સરકાર મહેનત કરી રહી છે. ૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિને ઉદ્યોગ પ્રધાન સૌરભ પટેલે કહ્યું હતું કે, નવી નીતિ હેઠળ નવા સ્થપાનારા ટૂરિઝમ પ્રોજેક્ટ્સને પાંચ વર્ષ માટે લક્ઝરી ટેક્સ, એન્ટરટેઈનમેન્ટ ટેક્સ, ઇલેક્ટ્રિસિટી ડયૂટી તથા સ્ટેમ્પ ડયૂટી- નોંધણી ફીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે. ચાલુ હોટેલો પાસેથી ઇલેક્ટ્રિસિટી ડયૂટી કમર્શિયલ રેટથી ૨૫ ટકા વસૂલ થાય છે, હવે ઔદ્યોગિક એકમને લાગુ થાય છે તે ૧૦-૧૨ ટકાના ધોરણથી ચાલુ હોટેલ પાસેથી ઇલેક્ટ્રિસિટી ડયૂટી વસૂલ થશે, જેના કારણે મોટી હોટેલોને મોટો ફાયદો થશે.