અમદાવાદઃ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર કૃત ‘પોસ્ટ ઓફિસ’ સાબરમતી ગાંધી આશ્રમની આર્કાઈવ્સમાં પહોંચી ગઈ છે. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ સાબરમતી આશ્રમ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી નીતિન શુક્લને આ પુસ્તક સોંપ્યું છે. જે હવે સાબરમતી આશ્રમના આર્કાઈવ્સમાં રહેશે. આ પુસ્તક હાથોહાથ સોંપતા ગોપાલકૃષ્ણે જણાવ્યું હતું કે આ મેકમિલન કંપનીએ છાપેલુ ૧૯૧૪નું પ્રથમ આવૃત્તિનું પુસ્તક છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં સમર્પણના પાને હસ્તાક્ષરોમાં વાદળી શાહીથી લગખ્યું છે કે, ચાર્લી તરફથી મોહનને માર્ચ ૧૦, ૧૯૧૭. જેમાં મોહન એટલે મોહનદાસ, ગાંધી અને ચાર્લી એટલે ચાર્લ્સ ફ્રીઅર એન્ડ્રુઝ.
મોહનદાસના પરિવારના સિવાય એક માત્ર ચાર્લ્સ એન્ડ્રુઝ જ માત્ર ગાંધીજીને બાળપણના નામ મોહનથી સંબોધતાં હતાં. સમર્પણના પાના પર દેવનાગરી લિપિમાં સુંદર હસ્તાક્ષરમાં સત્યાગ્રહ આશ્રમ પુસ્તકાલય એવું લખેલું છે. આ ત્રણે શબ્દે વચ્ચે જગ્યા રાખ્યા વિના સંયુક્ત જ લખએલા છે. ગોપાલકૃષ્ણ ગાંધી જણાવે છે કે એ પાનું જોતાં મારી આંખમાં ઝળઝળિયાં આવી જાય છે અને હાથ ધ્રુજવા લાગે છે.
૧૯૧૭માં ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. આ પુસ્તકની ભેટને સો વર્ષ પૂરાં થાય છે. ત્યારે ૧૯૧૭માં ભેટમાં આપેલું પુસ્તક ૨૦૧૭માં ગાંધી આશ્રમને પરત મળે છે. ગોપાલકૃષ્ણે જણાવ્યું હતું કે આ પુસ્તક ક્યાંથી અને કેવી રીતે મારી પાસે આવ્યું એ મને ખ્યાલ નથી. અનેકવાર ઘર આમથી તેમ બદલાતા રહ્યા છે. પુસ્તકોના કબાટ વચ્ચે આ પુસ્તક સચવાઈ રહ્યું એને પણ કદાચ ૭૫ વર્ષ થયા હશે. હમણાં મારા હાથમાં આવ્યું ત્યારે થયું કે આ પુસ્તકને મૂળ સ્થાને પહોંચાડવું જોઈએ.