ગાંધીનગરઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી અથવા માર્ચમાં ગુજરાતના મહેમાન બની શકે છે. જોકે છેલ્લા અહેવાલો મુજબ ટ્રમ્પ જ્યારે પણ ભારતનો પ્રવાસ કરશે તેના પ્રારંભ વિશ્વ વિભૂતિઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ ગુજરાતથી કરશે તેવી શક્યતા છે. ભારતના વડા પ્રધાન મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં અમેરિકી પ્રમુખના સ્વાગતની તૈયારીઓ જોકે જોરશોરથી ચાલે છે અને એમાંય પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઐતિહાસિક સાબરમતી આશ્રમની સાથોસાથ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેવા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરાનું ઉદ્ઘાટન કરશે.
વડા પ્રધાન મોદીનાં વિદેશી મિત્રો પૈકીનાં ટ્રમ્પ સાથે મોદીની છેલ્લા છ વર્ષમાં એક ડઝનથી વધુ વખત મુલાકાત થઇ છે અને ખુદ મોદી પણ વ્હાઇટ હાઉસના મહેમાન બની ચૂક્યા છે. આ બંને મહાનુભાવોની દોસ્તીને વિશ્વ એક અલગ નજરથી જુએ છે ત્યારે આ બંને મિત્રો સપ્ટેમ્બર, ૨૦૧૯માં અમેરિકી વેપાર ઉદ્યોગ અને રાજકીય ક્ષેત્રે સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવતા ગુજરાતી સમાજના ઉપક્રમે યોજાયેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ટેક્સાસમાં એક સાથે દેખાયા હતા. ટેક્સાસમાં મોદીએ ગુજરાતી અમેરિકી સમુદાયને સંબોધન કર્યું ત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સામે જનતા વચ્ચે જઇને બેઠાં હતા. ટ્રમ્પની પાર્ટીના તમામ કોંગ્રેસમેનોએ પણ મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. જાન્યુઆરી ૨૦૨૦માં મોદીએ પ્રેસિડેન્ટ સાથે રાજદ્વારી મુદ્દાઓ પર વાતચીત કરી ત્યારે તેમણે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.
હવે ટ્રમ્પ ગુજરાતવાસીઓને સંબોધી શકે એ માટે વિશ્વના સૌથી વિશાળ અને નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમની પસંદગી હાલમાં કરાઈ છે. આ સ્ટેડિયમ રૂ. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર થયું છે અને ફેબ્રુઆરી મધ્ય સુધીમાં તે સંપૂર્ણ રીતે તૈયાર થઇ જશે. વડા પ્રધાન મોદી અને ટ્રમ્પના હસ્તે તેનું ઉદ્ઘાટન થશે. આ ઉપરાંત અહીં ૧.૧૦ લાખ લોકોની ઉપસ્થિતિમાં ટ્રમ્પ ગુજરાત સહિત દેશભરની જનતાને અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો અંગે સંબોધન કરી શકે છે. અહીં નોંધવું જરૂરી છે કે અમેરિકામાં ૨૦૨૦માં પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં ગુજરાત, ભારતીય સમુદાયના મતદારો ઘણાં મહત્ત્વના સાબિત
થવાના છે.