અમદાવાદઃ વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે ‘આઇ સ્વીપ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ઓલિમ્પિયાડ ૨૦૧૬નું આયોજન થયું હતું. જેમાં ૬૨ દેશના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં ભારતમાંથી ૩ પ્રોજેક્ટ પસંદગી પામ્યા હતા. ગણપત યુનિ.માંથી બીટેક કરી રહેલા શહેરના ખુશ પટેલે વિકલાંગો માટેની મુવેબલ કાર સીટનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, જેને ફાઇનલ રાઉન્ડમાં ઓનરેબલ મેડલ મળ્યો છે.
• મહંતનું ૧૨ બિલ્ડરના અપહરણનું કાવતરુંઃ ચાના વેપારીના પુત્ર લલિતકુમાર અગ્રવાલના અપહરણ કેસમાં ઝડપાયેલા પેથાપુરના મહાકાલી મંદિરના મહંત કપિલદેવ પાંડેએ રાજ્યના ૧૨ બિલ્ડર અને મોટા વેપારીઓના અપહરણની યોજના ઘડી હતી. પોલીસને મહંત પાસેથી ૧૨ નામની યાદી પણ મળી આવી હતી. જોકે પહેલા અપહરણમાં જ મહંત અને તેના બે અનુયાયી સીમા પટેલ અને આરપીએફ કોન્સ્ટેબલ અનોપસિંગને પોલીસે ઝડપી લીધા હતા. લલિત અગ્રવાલના અપહરણ બાદ આ ટોળકી એક ફોરેસ્ટ ઓફિસરનું અપહરણ કરવાના હતા.
•‘હાર્દિકે જેલમાં માનસિક સંતુલન ગુમાવ્યું’ઃ સુરતની લાજપોર જેલમાં કેદ પાસના કન્વીનર હાર્દિક પટેલ સાથે અનામત આંદોલનમાં સમાધાનકારી વલણ અંગે મધ્યસ્થી બનવાનો પ્રયત્ન કરી રહેલા ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાને ૧૧મી મેએ હાર્દિકે ઝપટમાં લીધા હતા. હાર્દિકે રાદડિયાને નિશાન બનાવીને કહ્યું હતું કે, સમાજ સાથે ગદ્દારી કરનારા નેતાઓની સમાજને જરૂર નથી. હાર્દિકના આ નિવેદન સામે રાદડિયાએ પણ જવાબ આપતા કહ્યું કે, ‘હીરો બનવાનો પ્રયાસ કરી રહેલો હાર્દિક જેલમાં માનસિક સંતુલન ગુમાવી બેઠો છે એટલે આવી વાતો કરે છે. રાદડિયાએ હાર્દિક સંદર્ભે વ્યક્ત કરેલી પ્રતિક્રિયાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.’
• સરકારે વધુ ૧૨૧ ગામને અસરગ્રસ્ત જાહેર કર્યાઃ રાજ્યમાં ગરમીનો પારો ઉપર જાય છે ત્યારે અછતની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાન મંડળની કેબિનેટની બેઠક પછી પ્રધાનોની અછત માટે બનેલી સબકમિટીની એક બેઠક સીએમ આનંદીબહેન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં કચ્છ, જામનગર અને બનાસકાંઠાના વધુ ૧૨૧ ગામને અસરગ્રસ્ત જાહેર કરાયા હતા. સરકારે અગાઉ ૯૯૪ ગામ અર્ધઅછત કે અછતગ્રસ્ત જાહેર કરી ચૂકી છે, નવા ૧૨૧ સાથે કુલ ૧૧૧૫ ગામે અર્ધઅછત કે અછતગ્રસ્ત જાહેર કર્યા છે.
• ‘અનામત નીતિથી ચેતતા રહેજો’ઃ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજય સિંહે તાજેતરમાં વઢવાણમાં બે દિવસના રોકાણ દરમિયાન રાજકીય આગેવાનોની મુલાકાત લીધી હતી. સુરેન્દ્રનગર-વઢવાણ અને સાયલામાં તેઓ સ્થાનિક આગેવાનોને મળ્યા હતા. અહીં તેમણે વડા પ્રધાન પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતનો વિકાસ નરેન્દ્ર મોદી નહીં પણ ગુજરાતની મહેનત પ્રજાના કારણે થયો છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અને અનામત નીતિથી ચેતીને ચાલવાની સલાહ પણ આપી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ બે દિવસના રોકાણ દરમિયાન તેમનાં પુત્રી અને વઢવાણ સ્ટેટના યુવરાણીની ઉત્તરક્રિયા પૂર્ણ કરી રાજકીય અગ્રણીઓ ઉપરાંત પાટીદાર આગેવાનોની મુલાકાત લીધી હતી.
• ‘ફિલ્મ ફ્રેન્ડલી’ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયતઃ તાજેતરમાં જ દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત ૬૩મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અર્પણ સમારોહ દરમિયાન ગુજરાત રાજ્યને દેશનો સૌપ્રથમ ‘ફિલ્મ ફ્રેન્ડલી’ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કહેવામાં આવ્યું હતું કે ગુજરાત ટુરિઝમ ફિલ્મો બનાવવા માટે દેશમાં સૌથી વધુ મદદ કરતું ખાતું છે.


