વડોદરા: મોઈન ગોહિલ (ઉ. ૨૨), પ્રતીક પટેલ (ઉ. ૨૬), પરવેઝ ઝિવામી (ઉ. ૩૯) તેમજ નકુલ ચેટીવાલ (ઉ. ૨૬) આ ચાર ભારતીય યુવાનોની અમેરિકામાં ફેડરલ ટેક્સ અધિકારીઓના સ્વાંગમાં ૭,૩૦૦ વ્યક્તિઓ સાથે ૩.૫૦ લાખ ડોલરની ઠગાઈ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાના પૂર્વીય જિલ્લા વિસ્કોન્સિનના ડિસ્ટ્રિક્ટ લોયરે ૧૭મી નવેમ્બરે આ અંગેના અહેવાલમાં પણ આ અમેરિકન કોર્ટમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મોઈન ગોહિલ અને પ્રતીક પટેલ મૂળ વડોદરાના છે. જાન્યુઆરી, ૨૦૧૬થી ઓગસ્ટ, ૨૦૧૭ દરમિયાન મોઈન અને પ્રતીકે પરવેઝ તેમજ નકુલ સાથે મળીને બોગસ આઈડીના આધારે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. ફેડરલ ટેક્સ એજન્સીના અધિકારી તરીકે ઇન્ટરનલ રેવન્યૂ સર્વિસના નામથી ઓળખાણ આપી ઠગાઈ કરવાનો આરોપ ચારેય પર હતો. મનીગ્રામ, વેસ્ટર્ન યુનિયન કે તેમનાં નામે સરકારે લેવાની રહેતી રોકડ રકમ અથવા કોઈ ગિફ્ટની જો ચૂકવણીદારો ચૂકવણી ન કરે તો તેમની પર કાયદેસરની કાર્યવાહી અથવા તેમની ધરપકડ થશે તેવી ધમકી આ ચારેય આપતા હોવાનો તેમના પર આરોપ છે.
આ ચારેય પરના ત્રણ આરોપમાંથી મુખ્ય આરોપ એ છે કે ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનનો ઉપયોગ કરી તેમણે છેતરપિંડી કરી છે. ચારેય પર આરોપ સાબિત થાય તો આરોપીઓને વધુમાં વધુ ૨૦ વર્ષની સજા અને દરેક ગુનાસર ૨.૫૦ લાખ ડોલરનો દંડ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા સ્થિત પાંચ ભારતીયો પર ટેક્સાસ અને એરિઝોનામાં કેસ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ગુનો પણ કબૂલી લીધો હતો. હવે, આગામી દિવસોમાં તેમને સજા સંભળાવવામાં આવશે. તેમ જાણવા મળ્યું છે.


