યુકેના નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટર પકડાયા

Monday 25th January 2021 09:42 EST
 
 

અમદાવાદઃ અમેરિકનો સાથે ફ્રોડ કરીને નાણા પડાવતાં કોલ સેન્ટર પકડાયા પછી યુકેના નાગરિકો સાથે પણ ફ્રોડ કોલ કરીને નાણા લૂંટતાં કોલ સેન્ટર કોલકાતામાં ચાલુ કરાયાં હતાં. આ કોલ સેન્ટર પર દરોડા બાદ ફરી વખત ગુજરાતમાં પણ કેટલાક કોલ સેન્ટર પકડાયાં છે.
મોરબી નજીકના માળિયા મિયાણામાં તાજેતરમાં બ્રિટિશ નાગરિકોને છેતરતા કોલ સેન્ટરમાં કામ કરતાં નવ કર્મચારી અમદાવાદના રહીશ પકડાયા અને આ કોલ સેન્ટર અમદાવાદમાં રહેતા કોલ સેન્ટર કૌભાંડીના ઈશારે ચાલુ કરાયું હતું તેવા અહેવાલ હતા. આ કેસમાં કોલ સેન્ટરના સંચાલક તરીકે પકડાયેલા અમદાવાદના પ્રહલાદનગરના રહીશ વિકાસ સુરેન્દ્રભાઈ ત્યાગી (ઉ.વ. ૩૪) સહિત ત્રણ આરોપીને પોલીસે રિમાન્ડ પર મેળવ્યાં છે. હવે ઘટસ્ફોટ થયો છે કે યુકેમાં ચિટિંગ કરતાં કોલ સેન્ટર અમદાવાદમાં પણ છાનાખૂણે ચાલી રહ્યાં છે.
ચોંકાવનારી બાબત એ છે કે, રહેણાક વિસ્તારમાં પી.જી. તરીકે રહીને યુવકો કોલ સેન્ટરમાં કામ કરે છે. કૌભાંડીઓ પાસેથી ઓનલાઈન જ લીડ મેળવીને બાકી ટેક્સના ખોટા મેસેજ મોકલીને બ્રિટિશ ગવર્નમેન્ટના સરકારી તંત્રના નામે બ્રિટિશ નાગરિકોને ધમકાવીને પાઉન્ડ પોતાના ખાતામાં મેળવી લે છે.
અગાઉ અમેરિકાની અદાલતે ગુજરાતના ૧૦ લોકો તેમજ અમેરિકામાં વસતા ગુજરાતીઓ મળીને ૫૦ લોકોને કેદ ફટકારી હતી. વર્ષ ૨૦૧૪-૧૫માં ગુજરાતમાં ભીંસ વધતાં કોલ સેન્ટરનો ગોરખધંધો મુંબઈ શિફ્ટ કરાયો હતો. ૨૦૧૬માં શેગી ઠાકરના કોલ સેન્ટર પકડાયા પછી બીજા રાજ્યો તરફ મીટ મંડાઈ. યુએસ માટેનું આખું નેટવર્ક તૂટતાં હવે કોલ સેન્ટર કૌભાંડીઓ યુકે તરફ વળ્યા છે. અત્યાર સુધીમાં યુકેના કોલ સેન્ટર દિલ્હીના નોઈડા, કોલકાતા અને ચંદીગઢમાં ચાલતાં હતાં. કોલકાતામાં કોલ સેન્ટર્સ પર દરોડા પડતાં ફરી વખત ગુજરાતમાં યુકેના કોલ સેન્ટર શરૂ થયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter