અમદાવાદઃ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષનો જૈન યુવાન રોશન શાહ અને ૨૪ વર્ષની જૈન યુવતી આયુષી વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. રોશન અને આયુષીના તાજેતરમાં જ એક પાર્ટી પ્લોટમાં સામાજિક રીત રિવાજ મુજબ સગા સંબંધીઓની હાજરીમાં ધામધૂમથી લગ્ન થયા હતા. જોકે તેમના લગ્નની પ્રથમ રાત્રિ કોઇ વિચારી ન શકે એ રીતે જુદી રીતે ઉજવાઈ હતી. આ રાત્રિ તેમણે ઉપાશ્રયમાં સાધુ જીવન જીવીને વિતાવી હતી. વાત એટલેથી જ અટકતી નથી, પણ પોતાના લગ્નના ચટાકેદાર ભોજનનો સ્વાદ માણવાના સ્થાને મીઠા વગરનું બાફેલું ભોજન લઇને આ યુગલે પોતાના સહજીવનની મીઠી શરૂઆત કરી હતી.
પૂર્વજીવનમાં બહેન એવાં સાધ્વીજીને અનોખી ગિફ્ટ
રોશન અને આયુષી સંયમમાર્ગે જીવન વિતાવતા સાધ્વીજીના આશીર્વાદ મેળવવા ઉપાશ્રયમાં ગયા હતા. રોશન કહે છે કે, પૂર્વજીવનના સંબંધે આ સાધ્વીજી મારા બહેન થતા હોવાથી અમારા લગ્ન પ્રસંગે તેમને ગિફ્ટ અંગે અનેક વિચાર પછી સાધ્વીજીને અમે બંનેએ વચન આપ્યું કે, અમે લગ્નના દિવસે તેલ, ઘી, ગોળ અને તીખા મસાલેદાર ખોરાકના બદલે બાફેલું ભોજન લઈશું અને રાત્રિરોકાણ ઉપાશ્રયમાં સાધુ જીવનમાં વિતાવીશું.

