સુરત: વિશ્વના હીરાઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવતા અને ગુજરાતી હીરાના વેપારીની બેલ્જિયમ સ્થિત યુરો સ્ટાર કંપની રૂ. ૩૦૦૦ કરોડમાં કાચી પડી છે. યુરો સ્ટાર કંપની દ્વારા એન્ટવર્પની કોર્ટમાં કંપનીના પુર્નગઠન માટે અરજી કરવામાં આવી હતી. જેને ફગાવી દેવામાં આવતા હવે કંપની દ્વારા આગામી દિવસોમાં નાદારી જાહેર કરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.
અહેવાલ મુજબ ગુજરાતી હીરાના વેપારી તથા બેલ્જિયમના એન્ટવર્પ સ્થાયી થયેલા કૌશિકભાઈ મહેતાની યુરો સ્ટાર કંપની એન્ટવર્પ ઉપરાંત મુંબઈ, હોંગકોંગ, યુરોપ, અમેરિકા સહિતના દેશોમાં ઓફિસ ધરાવે છે. આ કંપની દ્વારા આઇસીઆઇસીઆઇ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, એબીએનએમરો બેન્ક તથા બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાઓમાંથી અંદાજે રૂ. ૩૦૦૦ કરોડથી પણ વધુની લોન લેવામાં આવી હતી, પરંતુ બેન્કોના આ નાણા ડાયમંડ કંપની દ્વારા પરત ચૂકવવામાં આવ્યા નહોતા. કંપની દ્વારા નવેમ્બર માસમાં એવો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે તેની પાસે ૨૫ મિલિયન ડોલરના હીરાનો સ્ટોક છે જ્યારે સપ્ટેમ્બરમાં તેની પાસે ૧૪૮.૮ મિલિયન ડોલરનો સ્ટોક હતો. યુરો સ્ટારે ડી’બિયર્સની સાઈટ ગુમાવી દેતાં તેના માટે આગળ કામકાજ કરવું અઘરું બની ગયું હતું.
યુરો સ્ટારની આવકના સ્ત્રોત મર્યાદિત બની ગયા હતા અને તેના ઓડિટરે વર્ષ ૨૦૧૭નું તેનું એકાઉન્ટ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી.

