અમદાવાદઃ અમદાવાદમાં સાબરમતી વિસ્તાર નજીકના રામનગરની હેમચંદ્રાચાર્ય પાઠશાળામાં યુવતીને પરિવારજનોની સંમતિ વગર દીક્ષા આપી દેતાં પરિવારે પાઠશાળા બહાર હોબાળો મચાવ્યા પછી પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે દીક્ષા લેનાર દીપાલીએ પોલીસને જણાવ્યું કે, હું પુખ્ત વયની છું અને મરજીથી દીક્ષા લીધી છે. જોકે દીપાલીના પરિવારજનોનએ એવી ધમકી ઉચ્ચારી છે કે, આ અંગે જૈન સંઘ દ્વારા ખુલાસો નહીં કરાય તો આત્મવિલોપન કરીશું.
ધંધુકામાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા શશીકાંત લિંબડિયાની પુત્રી દીપાલી (ઉં. ૨૩) છેલ્લા ત્રણેક વર્ષથી સાધ્વીજી મહારાજ સાથે વિહાર કરતી હતી અને જૈન ધર્મનું ઞ્જાન મેળવતી હતી. ત્રણ ભાઈઓ વચ્ચે દીપાલી એક જ બહેન હોવાથી આમ તો પરિવાર દીપાલીની દીક્ષા માટે રાજી નહોતો, પણ દીપાલી દીક્ષા લેવા મક્કમ હતી. તેથી પરિવારે દીપાલીની દીક્ષા માટે મુહૂર્ત કઢાવવાની તૈયારી પણ કરી હતી.
દરમિયાન ૧૯મીએ દીપાલીને દીક્ષા અપાઈને દીપાલીનાં સાધ્વીજી વેશનાં ફોટા વોટ્સએપ પર ફરતા થયા. તેથી પરિવારજનો સાબરમતી રામનગર હેમચંદ્રાચાર્ય પાઠશાળા પહોંચી ગયા અને હોબાળો કરીને પોલીસમાં ફરિયાદ કરી હતી.

