ગાંધીનગરઃ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાના ટ્રસ્ટની સમર્પણ કોલેજના ઉદ્ઘાટન માટે ઉપસ્થિત ભૂતપૂર્વ વડા પ્રધાન અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહે છેલ્લા થોડા સમયથી દેશમાં વિવાદનો મુદ્દો એવા ‘અસહિષ્ણુતા’ પર મૌન તોડતાં કહ્યું હતું કે, ‘આજનું યુવાધન અસહિષ્ણુતાથી પર હોય તેવી દુનિયા ઇચ્છે છે.’
તેમણે કહ્યું હતું કે, ‘આજનું યુવાધન ભવિષ્યની દીર્ઘદૃષ્ટિ ધરાવે છે. તે એવી દુનિયા ઇચ્છે છે જે ગરીબાઈ, બેરોજગારી, અસમાનતા, અસષ્ણુતાથી પર હોય. આ સ્વપ્નને સાકાર કરવામાં જાહેર અને ખાનગી ક્ષેત્રના નિર્ણાયકોમાં વિદ્યાર્થીઓ સાથ આપી શકે છે. દેશમાં શિક્ષા પામેલા યુવા બેરોજગારોની સંખ્યા ઘણી મોટી છે. હાલમાં દેશ માટે આ સૌથી મોટો પડકાર છે. દરરોજ નવા ઉદ્યોગો અને નવી તકો ઊભી થઈ રહી છે, પરંતુ મોટી સંખ્યામાં યુવાનો તેમની કાબેલિયતના પ્રમાણમાં પૂરતી રોજગારી મેળવવાથી વંચિત છે.’ પૂર્વ વડા પ્રધાને વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ પૂરતા સીમિત રહેવાને બદલે દેશના સંવેદનશીલ મુદ્દા પ્રત્યે મહત્ત્વની ભૂમિકા ભજવવાનું સૂચન કર્યું હતું.


