મંબઈઃ ગુજરાતી ફિલ્મો, નાટકો તથા હિન્દી ફિલ્મોમાં પણ અભિનયનો ઓજસ પાથરનારા પ્રખ્યાત અભિનેતા અરવિંદ જોશીનું ૮૪ વર્ષની વયે ૨૯મી જાન્યુઆરીએ સવારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અવસાન થયું હતું. સ્વ અરવિંદ જોશીનાં અંતિમ સંસ્કાર મુંબઈના વિલેપાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.
રંગમંચના મંજાયેલા અભિનેતા
તખ્તાના આલા દરજાના કલાકાર અરવિંદ જોશી ‘બાણશૈયા’ નાટકથી ખૂબ પ્રખ્યાત થયા હતા. અરવિંદ જોશીએ ફિલ્મો સિવાય એની ‘સુગંધનો દરિયો’, ‘ખેલંદો’, ‘બરફના ચહેરાં’, ‘દર્પણની આરપાર’, ‘સળગ્યાં સૂરજમુખી’, ‘લેડી લાલકુંવર’, ‘બાણશૈયા’ જેવા નાટકોમાં પણ અભિનય કર્યો હતો.
ગુજરાતી ફિલ્મોમાં અભિનય
૧૯૬૧ની સાલમાં તેમણે ‘ચૂંદડીચોખા’ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બાદ તેમણે ‘કંકુ’, ‘વેલીને આવ્યા ફૂલ’, ‘જનમટીપ’, ‘રા માંડલિક’, ‘વેરનો વારસ’, ‘ડાકુરાણી ગંગા’, ‘ઘેર ઘેર માટીના ચૂલા’, ‘ગરવો ગરાસિયો’, ‘ઢોલા મારૂ’, ‘નાણાં વગરનો નાથિયો’, ‘ફૂટપાથની રાણી’, ‘વણઝારી વાવ’ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
ફિલ્મ ‘શોલે’માં પણ યાદગાર પાત્ર
ગુજરાતી ફિલ્મો ઉપરાંત અરવિંદ જોશીએ હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. બોલિવુડની સુપર-ડુપર હિટ ‘શોલે’માં તેમણે ભૂમિકા ભજવી હતી. તેના સિવાય રાજેશ ખન્ના-નંદા અભિનિત ફિલ્મ ‘ઈત્તેફાક’ ફિલ્મમાં યશ ચોપરાના આસિસ્ટન્ટ ડિરેક્ટર રહ્યા હતા.
અરવિંદ જોશીના પુત્ર શર્મણ જોશી હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા છે અને પુત્રી માનસી જોશી રોય પણ અભિનય ક્ષેત્રમાં કાર્યરત છે.