રથયાત્રામાં ભગવાન જગન્નાથજી રજવાડી વેશમાં ભક્તોને દર્શન આપશે

Wednesday 03rd July 2019 07:35 EDT
 
 

અમદાવાદઃ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઇ બળભદ્રજી જ્યારે અષાઢી બીજ, ગુરુવારે રથયાત્રાએ નીકળશે ત્યારે રજવાડી વેશમાં રહેશે. તેઓનો સંપૂર્ણ શણગાર પણ રજવાડી વેશનો બની રહેશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે રથયાત્રા છે ત્યારે ગુરુ-પુષ્યામૃતસિદ્ધિ યોગનો પણ સંયોગ જોવા મળશે.
અત્યારે ભગવાન મોસાળમાં હોવાથી નિજમંદિરમાં ભગવાનનાં વિગ્રહને બદલે તસવીર રાખવામાં આવી છે. રથયાત્રાના આયોજન અંગે સંકલન સમિતિની ૨૭મીએ બેઠક યોજાઇ હતી. તેમાં આ રથયાત્રા કોમી એખલાસ, સદ્ભાવપૂર્ણ વાતાવરણમાં અને શાંતિપૂર્ણ રીતે યોજવા ગુજરાત સરકારે કટિબદ્ધતા દર્શાવી હતી.
સંકલન સમિતિની બેઠક બાદ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રત્યેક નાગરિક રથયાત્રાને માણી-નિહાળી શકે અને ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સર્વગ્રાહી કામગીરી કરી છે. આ અંતર્ગત શહેર પોલીસ, અમદાવાદ મહાનગર પાલિકા, પેરામિલિટરી ફોર્સ અને ચેતક કમાન્ડો એમ વિવિધ વિભાગોનું સંકલન કરીને વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરાયું છે.
રથયાત્રા દરમિયાન અખાડા સંચાલકોને મંજૂરી મળી હોય તેટલા જ વાહનો સાથે રાખવાની અને તીક્ષ્ણ હથિયાર સાથે નહીં રાખવાની તાકીદ પણ કરાઇ છે. રથયાત્રામાં જોડાયેલા રથના શિખર પર મંદિરના પૂજારી તથા નિયત કરાયેલા માણસો જ બેસે તેની તકેદારી રાખવામાં આવશે.
૨૫ હજાર સુરક્ષાકર્મીઓ
ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા ૪ જુલાઇએ શાંતિપૂર્ણ રીતે અને શ્રદ્ધાપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ૨૯મી જૂને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત જમાલપુર જગન્નાથ મંદિરથી સમગ્ર રથયાત્રા રૂટ પર તૈયારીઓનું નિરીક્ષણ પણ તેઓએ કર્યું હતું. આ વખતે રથયાત્રામાં અર્ધલશ્કરી દળ સહિત ૨૫૦૦૦ પોલીસનો થ્રી લેયર જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જમાલપુર જગન્નાથ મંદિરથી ૪ જુલાઇ - ગુરુવારે ભગવાન જગન્નાથજીની ૧૪૨ રથયાત્રા નીકળશે. જેને લઇને જગન્નાથ મંદિર તથા સરસપુર ભગવાનના મોસાળમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
મોસાળમાં મામેરું ભરાયું
૨૯મીએ મોસાળ સરસપુરમાં જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું મામેરું ભરાયું હતું. જેમાં ભગવાાનના વાઘા, સોનાનો ઢોળ ચડવેલો દોઢ કિલોનો હાર, સોનાની ત્રણ વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા હતા. મામેરાના દર્શન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ભાવકો ઊમટી પડ્યાં હતાં અને ભગવાનના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ભગવાનનું મામેરું ભરવા ઇચ્છતા ભક્તોની યાદી એટલી લાંબી છે કે ૧૮ વર્ષ લાંબુ વેઇટીંગ લિસ્ટ છે.
થ્રી લેયર બંદોબસ્ત
રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે રથયાત્રા પહેલાં બે વખત રિહર્સલ યોજાયું હતું. જગન્નાથજીની રથયાત્રામાં પ્રાઈવેટ કંપની પાસેથી ડ્રોન ગાર્ડ મેળવીને પોલીસ દ્વારા તેનો ઉપયોગ કરશે. રાજ્યના પોલીસ વડા, શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત મોનિટરિંગ કરશે. જીપીએસ સિસ્ટમથી રથયાત્રાની મૂવમેન્ટના તમામ મેસેજ તમામ અધિકારીઓને મળશે. ૧૧૨ કેમેરાની વોચ રહેશે જેમાં ૮ કેમેરા સતત રથયાત્રા સાથે રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter