અમદાવાદઃ ઉત્તરાખંડના ચમોલી પાસે ગ્લેશિયર પડવાથી ડેમ તૂટતા હરિદ્વાર સહિત ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા રાજકોટ, જામનગરના યાત્રિકો સલામત હોવાનું રાજકોટના કૃષ્ણાબેન ગોહેલે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
કૃષ્ણાબહેનને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે તપોવનથી ૧૦ જ કિલોમીટર દૂર હતા ત્યારે ખબર પડી કે, ચમોલી જિલ્લામાં તબાહી મચી ગઈ છે. જેથી રાજકોટ, જામનગર, અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિતના ૫૦ જેટલા મુસાફરો તુરંત ત્યાંથી રવાના થઇ ગયા હતા અને દહેરાદૂન ચાલ્યા ગયા હતા. દહેરાદૂનમાં હોટેલ, ગેસ્ટહાઉસ જે મળ્યું ત્યાં એક વાર રોકાઈ ગયા હતા. અમારો સામાન હરિદ્વાર પડયો હોવાનું કૃષ્ણાબહેને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારા ડ્રાઈવરે મોબાઈલમાં જળપ્રલયની તબાહીનો વીડિયો ઉતાર્યો છે. જેમાં ધૌલીગંગા નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. હરિદ્વારમાં પાણી ઘૂસવાના ડરથી ત્યાં જઈ શકાય તેમ નથી.
રાજકોટના બોમ્બે આવાસમાં રહેતા કૃષ્ણાબહેન અને તેના પિતા ગયા શુક્રવારે રાજકોટથી હરિદ્વાર જવા રવાના થયા હતા. કૃષ્ણાબહેનના પતિનું અવસાન થતા તેઓ હરિદ્વારમાં અસ્થિ પધરાવવા ગયા હતા. વિધિ પૂરી કર્યા બાદ ઉત્તરાખંડના સ્થાનિક ટૂર ઓપરેટરની બસમાં પિતા-પુત્રી, જામનગરના ૬ લોકો સહિત અન્ય વિસ્તારના ૫૦ જેટલા યાત્રિકો શ્રીનગર જવા રવાના થયા હતા. જોકે અધરસ્તે જ ચમોલી નજીક પાસેની આફતની ખબર પડી જતા બસ દહેરાદૂન લઈ જવામાં આવી હતી અને રાજકોટ-જામનગરના યાત્રિકો દહેરાદૂન ખાતે સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.
રાજકોટના યાત્રિકો ઉત્તરાખંડ ગયા હોવાની જાણ થતા રાજકોટ ડિઝાસ્ટર વિભાગના પ્રિયાંકસિંઘે તમામનો સંપર્ક સાધીને વાતચીત કરી છે. હાલ કોઈ પણ યાત્રીને કોઈ તકલીફ નથી. ઉત્તરાખંડની આફતથી ૪ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં થયેલી તબાહીના સમાચારથી યાત્રિકોના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હરિદ્વારમાં પણ પરિસ્થિતિ સામાન્ય છે અને હરિદ્વારમાં ગુજરાતી યાત્રાળુઓની બસ એક દિવસ પહેલાં જ ત્યાંથી નીકળી ગઈ છે. આમ છતાં કોઈ યાત્રિક ફસાયા હોય તેના માટે રાજયના રાહત કમિશનર ઉત્તરાખંડના ડિઝાસ્ટર વિભાગ સાથે સંપર્કમાં છે અને જરૂરી મદદ કરવાની ખાતરી આપી છે.
વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન સાથે વાત કરી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રવિવારે ઉત્તરાખંડમાં દુર્ઘટના થયાના સમાચાર મળતાં જ મુખ્ય પ્રધાન સાથે ફોન ઉપર વાતચીત કરી હતી અને જો કોઈ ગુજરાતના યાત્રિકો દુર્ઘટનામાં ફસાયા હોય તો તત્કાળ મદદ-બચાવ-રાહત પહોંચાડવા વિનંતી કરી હતી. રૂપાણીએ આ સંદર્ભે મુખ્ય સચિવ અનિલ મુકિમને ઉત્તરાખંડના તંત્ર સાથે સંપર્કમાં રહી કાર્યવાહી હાથ ધરવા જરૂરી સૂચના આપી હતી.

