રાજકોટઃ માઈક્રોસોફટ ઈન્ડિયાએ એજ્યુકેશન ઈનોવેટર્સના ૨૦૧૫-૨૦૧૬ના કલાસમાં રાજકોટની બીજલ દામાણી સહિત ગુજરાતમાંથી છ ઈનોવેટિવ એજ્યુકેટર્સ અને બે શોકેસ સ્કૂલોની પસંદગી કરી છે. માઈક્રોસોફટે સમગ્ર ભારતમાંથી ૧૬૮ માઈક્રોસોફટ ઈનોવેટિવ એજ્યુકેટર (MIE) એકસ્પર્ટસ અને ૪૫ માઈક્રોસોફટ શોકેસ સ્કૂલોની પસંદગી કરી છે. તેમાં ગુજરાતના આ એજ્યુકેટર્સ અને સ્કૂલ સામેલ છે.
પસંદગી પામેલા ગુજરાતના એજ્યુકેટર્સમાં રાજકોટ એસ. એન. કણસાગરા સ્કૂલનાં શિક્ષિકા બીજલ દામાણી, વલસાડના અતુલ વિદ્યાલયના મનીષ પુરાણી અને જેરુ ચોથિયા, અમદાવાદના ઉદગમ બાળ વિદ્યાલયનાં ભાવના દેસાઈ અને કૃપાલી સંઘવી અને પાટણના આદર્શ વિદ્યાલયના ડો. લક્ષ્મણભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. જ્યારે બે સ્કૂલોમાં અમદાવાદની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને વલસાડની અતુલ વિદ્યાલયનો સમાવેશ કરાયો છે.
માઈક્રોસોફટે આ પ્રોગ્રામ હેઠળ એવા એજ્યુકેટર્સ અને સ્કૂલોની પસંદગી કરી છે, જેમણે દિન-પ્રતિદિન શીખવા અને શીખવવાની પ્રક્રિયામાં ટેકનોલોજીના ઉપયોગમાં વધારો કર્યો છે અને ભારતમાં એજ્યુકેશન ઈકોસિસ્ટમને બદલવામાં યોગદાન આપ્યું છે. આમાં પસંદગીની પ્રક્રિયા બહુ જ સખત હોય છે. હવે આ બધા એજ્યુકેટર્સ અને સ્કૂલ માઈક્રોસોફટની ૩૭૦૦ MIE એકસ્પર્ટસ અને ૪૦૦ શોકેસ સ્કૂલોની ગ્લોબલ કમ્યુનિટીનો હિસ્સો બની ગયા છે.
રાજકોટની બીજલ દામાણીએ ઈનોવેટિવ પ્રોડકટ એન્ડ માર્કેટિંગ કમ્પિટિશન અને ગેલેકસી બાઝાર વિશે બે પ્રોજેકટ તૈયાર કર્યાં હતાં. ભાવના દેસાઈએ ફૂડ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા પર પ્રોજેકટ તૈયાર કર્યો હતો. જેનાથી વિદ્યાર્થીઓને દેશના વિવિધ વિસ્તારોમાં પારંપરિક ખાન-પાન વિશે શીખવામાં મદદ મળી. આજ રીતે કૃપાલી સંઘવીએ ધર્મ પર પ્રોજેકટ તૈયાર કર્યો. તેના દ્વારા વિદ્યાર્થીઓને ભારતના વિવિધ ધર્મો અને વિવિધ તહેવારોના મહત્ત્વ વિશે શીખવામાં મદદ મળી.
આ પસંદગી પામેલા એમઆઈઈ એકસ્પર્ટસને માઈક્રોસોફટ તરફથી પ્રોફેશનલ અને કેરિયર ડેવલપમેન્ટના અવસર અને સર્ટિફીકેટ મળશે. તેઓ પોતાની વિશેષતા દુનિયાના એજ્યુકેટર્સ અને સ્પેશ્યાલિસ્ટ સાથે શેર કરશે. જેથી તેઓ પોતાના ઈનોવેશનને વધુ ધારદાર બનાવી શકે. આ એજ્યુકેટર્સ માઈક્રોસોફટના અન્ય વિશેષ કાર્યક્રમો ઉપરાંત માઈક્રોસોફટ ગ્લોબલ એજ્યુકેટર એક્સચેન્જ ઈવેન્ટ સ્પ્રિંગ-૨૦૧૬માં પણ સામેલ થઈ શકશે.
એ ઉલ્લેખનીય છે કે, રાજકોટના બીજલ દામાણી આ અગાઉ ૨૦૧૧માં બે વખત માઈક્રોસોફટના પ્રોગ્રામમાં વોશિંગ્ટન અને બાર્સેલોના જઈ આવ્યા છે.

