અમદાવાદઃ સુરતમાં કોરોનામાં મૃત્યુઆંક પચ્ચીસની આસપાસ બતાવાઈ રહ્યો છે પણ કોવિડ ગાઈડલાઈનથી હોસ્પિટલોમાંથી અપાઈ રહેલા મૃતદેહોની સંખ્યા અનેકગણી છે. જેને કારણે અંતિમ સંસ્કાર માટે સુરતના સ્મશાન નાના પડી રહ્યાં છે અને સુરતના સ્મશાન પાછળ ઝાડીઓની સફાઈ કરીને પોર્ટેબલ ભઠ્ટી બનાવવાની ફરજ પડી છે. બીજી તરફ ૧૪ વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરીને ત્યાં કોવિડમાં મૃતકોના રાતે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. શહેરના ત્રણ સ્મશાનગૃહોમાં મૃતદેહોના ખડકલા થઈ રહ્યા છે જેને પગલે અંતિમસંસ્કાર માટે કલાકોનું વેઈટીંગ ચાલી રહ્યું છે.
રાજકોટમાં કોરોનાથી ઠેર ઠેર મોતનું માતમ સર્જાયું છે, અનેક કુટુંબો પર જાણે આફતનું આભ ફાટયું છે.બે દિવસમાં સત્તાવાર ૧૩૪ના અને અગ્નિદાહ અપાયો તે મુજબ ૨૦૦થી વધુના મોત થયા છે. આ સ્થિતિમાં હજુ ત્રણ દિવસ પહેલા જ નવા સ્મશાન શરૂ કર્યા, જૂના શરૂ કરાવ્યા અને ખાટલા વધાર્યા છતાં સ્મશાનો ટૂંકા પડતા મૃત્યુ પ્રમાણ વધતા મહાપાલિકાએ વધુ ત્રણ સ્મશાનો કાર્યરત કર્યા છે જ્યાં કોરોના પ્રોટોકોલ સિવાયના મૃતદેહોને માત્ર લાકડાથી અગ્નિદાહ અપાશે. આમ, ૯ સ્મશાનો ઓછા પડતા વધુ ૩ની વ્યવસ્થા કરાઈ છે.