રાજકોટઃ વિશ્વ યોગ દિન નિમિત્તે રાજકોટ દ્વારા ચીનનો વર્લ્ડ રેકર્ડ તોડવાની તૈયારી કરી હતી. કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આશરે ૧૬૦૦ સગર્ભા મહિલાઓ યોગ કરી નવો વિશ્વ વિક્રમ રચ્યો હતો.
સગર્ભા મહિલાઓ માટે યોગના કાર્યક્રમનો સમય સવારે ૮.૪૫ વાગ્યાનો રખાયો હતો. ૧૬૦૦થી વધુ સગર્ભા મહિલાઓને ૩૫ મિનિટ સુધી હરિદ્વારના યોગાચાર્ય દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની પ્રક્રિયા કરાવાઈ હતી. સગર્ભા મહિલાઓને યોગ દરમિયાન કોઇ શારીરિક સમસ્યા સર્જાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૮ ગાયનેક તબીબો, વોલયન્ટર્સ અને આરોગ્યની ટીમ તથા ૧૦૮ સેવા ઉપલબ્ધ હતી.
રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરાએ ૨૦મી જૂને જણાવ્યું હતું કે, જિલ્લાની ૮૯૧ પ્રાથમિક શાળાઓ ઉપરાંત તાલુકાઓમાં નગરપાલિકા તથા પંચાયત હસ્તકના મેદાનોમાં અને હોલ સહિત ૬૦ જેટલા સ્થળોએ યોગના મોટા કાર્યક્રમોનું આયોજન અને ૨૦૦ જેટલા સ્થળોએ નાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.


