અમદાવાદઃ રાજદ્રોહના ગુના હેઠળ અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા ધરપકડ કરાયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ પરથી મંગળવારે રાષ્ટ્રદોહનો ગુનો કોર્ટ દ્વારા હટાવી લેવાયો અને હવે તે જામીન અરજી કરી શકશે છતાં તેની મુશ્કેલીઓમાં સતત વધારાના એંધાણ દેખાઈ રહ્યાં છે. હાર્દિક અને પાસના હોદ્દેદારો ચિરાગ પટેલ, કેતન પટેલ અને દિનેશ બાંભણિયાનો ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં અગાઉ કરાયેલો વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રિપોર્ટ અંગે જણાવ્યું હતું કે, એફએસએલના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હાર્દિક અને તેના સાથીદોરોનો વોઈસ મેચ થાય છે. હાર્દિક સામે જેમની સાથે વાત થઈ તે ૪૦ વ્યક્તિઓને હાલમાં નોટિસ ફટકારાઈ છે અને તેમની વાતચીતના સંદર્ભમાં પૂછપરછ પણ કરાશે.
આ ઉપરાંત આ કેસમાં વધુ એક ઘટસ્ફોટ થતાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ દિગ્ગજ શંકરસિંહ વાઘેલાએ એક સ્થાનિક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કબૂલાત કરી હતી કે, અમે હાર્દિક પટેલને પાટીદાર આંદોલન દરમિયાન માત્ર માર્ગદર્શન જ આપ્યું હતું.