રાજપથ કલબની હાઈપ્રોફાઈલ ચૂંટણમાં ભારે મતદાન

Monday 23rd March 2015 12:51 EDT
 

અમદાવાદમાં ભારે પ્રતિષ્ઠાનો વિષય બનેલી હાઈપ્રોફાઈલ રાજપથ કલબની ચૂંટણીમાં લગભગ ૬૦ ટકાથી વધુ મતદાન થયું છે. અમદાવાદના સંખ્યાબંધ પ્રતિષ્ઠિત લોકો ચૂંટણીમાં મતદાન કરવા માટે ૨૨ માર્ચના રોજ આવ્યા હતાં. રાજપથ કલબની ડિરેક્ટર્સની ૬૦ બેઠકો માટે જગદીશ પટેલની પાવર પેનલ અને પરેશ દાણીની યુનાઈટેડ રાજપથ પેનલ વચ્ચે મુકાબલો છે. બંને જૂથોએ એકબીજા સામે ચઢાવેલી બાંયોના કારણે ચૂંટણી માટે થયેલું મતદાન ટોક ઓફ ધી ટાઉન બની રહ્યું હતું. ચૂંટણીમાં અદાણી ગ્રૂપના રાજેશ અદાણી, વાડીલાલ ગ્રૂપના રાજેશ ગાંધી, મેડિકલ કાઉન્સલ ઓફ ઈન્ડયાના પૂર્વ પ્રમુખ કેતન દેસાઈ, અમદાવાદના તબીબો ડો. ભાલોડિયા, ડો. સંજય ગાંધી, રાજકારણી નરહરિ અમીન, ધારાશાસ્ત્રી યતિન ઓઝા સહિતના અનેક હાઈપ્રોફાઈલ વ્યક્તિઓ, બિલ્ડરો અને તબીબો પણ મતદાન કરવા માટે આવ્યા હતાં.

મહારાષ્ટ્રીયન સમાજે ગુડીપડવો ઊજવ્યોઃ ૨૧ માર્ચના રોજ ચૈત્રી નવરાત્રીના પ્રારંભે માતાજીના આશીર્વાદ લેવા હજારોની સંખ્યામાં ભક્તોની અમદાવાદના વિવિધ મંદિરોમાં ભીડ ઉમટી હતી. ભાવિકોએ શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન કર્યું હતું. શક સંવતના નૂતન વર્ષના પ્રારંભે મહારાષ્ટ્રીયન સમાજે ગુડી પડવાની ઉજવણી કરી હતી અને ઠેર-ઠેર ગુડીપૂજન થયાં હતાં. બીજી તરફ ચેટીચંડના પર્વની શહેરના સિંધી સમાજના લોકોએ પણ ઉજવણી કરી હતી. નરોડામાં હજારોની સંખ્યામાં લોકો ‘ઝુલેલાલ શોભાયાત્રા’માં જોડાયા હતા. ગુડી પડવાનું પૂજન કરીને મહારાષ્ટ્રીયન સમુદાયના લોકોએ એકબીજાને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતાં તથા પરંપરાગત મીઠાઈઓ-વાનગીથી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે ઘરની બહાર સુંદર રંગોળી પણ કરવામાં આવી હતી. શક સંવત ૧૯૩૭નો પણ ચૈત્રી પડવાથી પ્રારંભ થયો છે, જેની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.

આઇઆઇએમનો ૫૦મો પદવીદાન સમારંભ યોજાયોઃ આઇઆઇએમ-અમદાવાદનો ૨૧ માર્ચે ૫૦મો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ નિમિત્તે મુખ્ય મહેમાન પદેથી સંબોધતા માસ્ટર કાર્ડના પ્રેસિડેન્ટ અને સીઇઓ અજય બાંગાએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ નાનું બની રહ્યું છે ત્યારે લીડરે વૈશ્વિક દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. વૈશ્વિક દૃષ્ટિકોણ (ગ્લોબલિટી) અપનાવવાનો અર્થ છે કે લીડરે પોતાની આસપાસના વિશ્વમાં કનેક્ટિવી વધારવી જોઈએ. તમારી કંપની કે તમારા દેશ ઉપરાંત લીડરે વિચારવું જોઈએ. વૈશ્વિક દૃષ્ટિકોણ અપનાવવાથી તમારા વિચારો વિસ્તાર પામશે અને ફોકસ પણ વિસ્તરશે. આ ઉપરાંત લીડરે સેન્સ ઓફ અર્જન્સી વિકસાવવી જોઈએ પરંતુ તેની સાથે ધીરજ રાખતા શિખવું જોઈએ.

ખંડણીખોર ગોસ્વામી અને તેનો ભાઈ મથુરાથી પકડાયાઃ અમદાવાદના સોનીઓમાં આતંક મચાવનારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીને અંતે અમદાવાદ પોલીસે ઉત્તર પ્રદેશના મથુરા-નરોલી હાઈવે પરથી તેના ભાઈ અજય ગોસ્વામી સાથે ઝડપી લીધો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બે ટીમે પાર પાડેલા આ ઓપરેશનમાં ઉત્તરાખંડમાંથી તેના બે સાગરીત રીન્કુ અને પ્રીતમ ગોસ્વામીને પણ પકડ્યા છે. પોલીસ પકડવા આવી ત્યારે વિશાલે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે કરેલા વળતા ગોળીબારમાં વિશાલને સાથળના ભાગે ગોળી વાગી હતી. આ અંગે પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, પોલીસે વિશાલનો ફોન નંબર ટ્રેસ કરતા તે યુપીમાં હોવાનું જણાયું હતું. વિશાલનું લોકેશન મળી જતા ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમો ઉત્તર પ્રદેશ ગઇ હતી. આ ટીમે યુપી પોલીસ તેમ જ સ્પેશ્યિલ ટાસ્ક ફોર્સની (એસટીએફ) મદદથી સવારે મથુરા-નરોલી હાઇવે પર એટી ટાવર પાસે સ્કોર્પિઓમાં પસાર થઈ રહેલા વિશાલ અને તેના ભાઈ અજયને પડકારી ગોળીઓના ધણધણાટ બાદ ઝડપી લીધા હતા. બીજા ઓપરેશનમાં ઉત્તરાખંડના રુદ્રપુરના ખીચા ગામેથી તેના બે સાગરીતને ઝડપી લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter