વડોદરાઃ પોલીસ કમિશનર તરીકે ભારે લોકચાહના મેળવીને રાજ્ય સરકારના પ્રધાન સુધી પહોંચી ગયેલા જશપાલસિંઘનું ૮૩ વર્ષની જૈફ વયે રવિવારે મધરાતે વડોદરામાં નિધન થયું હતું. ભગવાન નરસિંહજીના ઐતિહાસિક વરઘોડાને ૧૯૮૩માં અશાંત માહોલ વચ્ચે પણ કાઢીને વડોદરાવાસીઓના તેમણે દિલ જીતી લીધા હતા. વડોદરાના મેયરથી ગુજરાત સરકારના પ્રધાન મંડળ સુધીની તેમની રાજકીય સફર રહી હતી.
જશપાલસિંઘનાં અંતિમસંસ્કાર મંગળવારે સવારે ૮.૩૦ કલાકે થયા હતા. જશપાલસિંઘ ભાજપમાં જોડાયા બાદ વડોદરામાં સયાજીગંજ બેઠક પર ૧૯૯૦, ૧૯૯૫ અને ૧૯૯૮માં ચૂંટાયા હતા. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલની સરકારમાં તેઓ પુરવઠા અને જેલ પ્રધાન રહી ચૂક્યા હતા.

