ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. સોમવારે આવેલા અહેવાલો પ્રમાણે છેલ્લા દસ દિવસમાં ૫૦૦૦ કેસનો વધારો નોંધાયો છે. મંગળવારના અહેવાલો મુજબ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધારે ૫૨૪ કેસો નોંધાયા હતા. જ્યારે ૨૮ લોકોનાં મોત થયાં હતાં. ૪૧૮ દર્દીઓ છેલ્લા ૨૪ કલાકમાં સાજા થયાં હતાં. રાજ્યમાં ૧૬મીએ કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો ૨૪૬૨૮ નોંધાયો હતો જ્યારે મૃત્યુઆંક ૧૫૩૪ અને ડિસ્ચાર્જનો કુલ આંક ૧૭૦૯૦ નોંધાયો હતો.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા હાલ ૬૦૦૪ નોંધાઈ હતી જેમાંથી ૬૪ દર્દીઓની હાલત ગંભીર જણાવાઈ હતી અને ૫૯૪૦ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવાયું હતું. આ સાથે જણાવાયું હતું કે હાલમાં ગુજરાતનો રિકવરી રેટ ૭૦ ટકા નજીક છે અને રાજ્યમાં મૃત્યુ દરનું પ્રમાણ આશરે ૬.૨૫ ટકાથી વધુ જેટલું નોંધાયું છે.
મૃત્યુ દરની રીતે ગુજરાત મોખરે
ભારતમાં ગુજરાત કોરોનાના કુલ કેસની દૃષ્ટિએ ચોથા ક્રમે છે, પણ કુલ કેસની સામે મૃત્યુદરની દૃષ્ટિએ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં ૧૫૩૦થી વધુ દર્દીઓનાં કોરોનાને લીધે મૃત્યુ થયાં છે જે મૃત્યુદર ૬.૨૮ છે એટલે કે કોરોનાના ૧૦૦ દર્દીઓમાંથી ૬થી ૭ દર્દીઓ મૃત્યુ પામે છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર (૩.૬૮ ટકા) અને દિલ્હી (૩.૩૦ ટકા)નો મૃત્યુ દર ગુજરાત કરતાં ૪૫થી ૫૦ ટકા ઓછો છે.
નાગરિકોમાં એવો ફફડાટ પણ જોવા મળે છે કે રાજ્યમાં કોરોનાથી મૃત્યુનો દર છ ટકા સુધી પહોંચી ગયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ ઘણું જ નીચું જણાઈ રહ્યું છે જો કોરોના ટેસ્ટનું પ્રમાણ હજી વધે તો પોઝિટિવ કેસમાં પણ વધારો નોંધાઈ શકે અને મૃત્યુ દરમાં પણ વધારો નોંધાઈ શકે જે અત્યંત ભયજનક સ્થિતિ હશે. આ સામે અગાઉ એવો પણ બચાવ થયો હતો કે દર્દીઓ સારવાર માટે મોડા આવતા હોવાથી મૃત્યુદર વધારે નોંધાયો છે, પણ જો કોરોના ટેસ્ટના નિયમો હળવા હોત તો તરંત ટેસ્ટ અને ઝડપી સારવારથી મૃત્યુ દર પણ ઓછો હોત. આ ઉપરાંત ગુજરાત સહિત ૬ રાજ્યોમાં કોરોના વહેલા અકુંશમાં આવી શકે તેવા પણ અહેવાલ ૧૨મી જૂને પ્રકાશિત થયા છે. ગુજરાત સહિતના પાંચ મોટા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ કોરોનાની મહામારી પર અંકુશ મેળવવામાં સૌથી પહેલાં સફ્ળ થઈ શકે તેમ છે તેવા અહેવાલ છે. દેશના આ ૬ રાજ્યોમાં કોરોનાના જે કુલ દર્દીઓ નોંધાયા હોય તેમાંથી રિકવર થયેલા દર્દીની ટકાવારી એટલે કે કોરોનાના સંક્રમણને અટકાવવાની ટકાવારી ૭૦ ટકા કે તેથી વધુ છે.
તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે, આ રાજ્યોમાં કોરોના સંક્રમણ અટકાવવાની ટકાવારી ૯૦ ટકા કે તેથી વધુ થઈ જાય તો આ મહામારી પર એ જે તે રાજ્યએ અંકુશ મેળવ્યો છે તેમ કહી શકાય. કોરોનાના જેટલા વધુ સક્રિય દર્દીઓ હોય તેટલો વધુ કોરોનાના સંક્રમણનો ખતરો રહે છે. જેમ જેમ કોરનાના સક્રિય દર્દીઓની સંખ્યા ઘટતી જશે તેમ તેમ આ મહામારીનો વ્યાપ પણ ઘટતો જશે.ચંડીગઢ લગભગ ૯૦ ટકા સુધી કોરોનાના સંક્રમણને અટકાવી શક્યું છે. જોકે, દેશના અન્ય ભાગોમાં જ્યાં સુધી કોરોના પર અંકુશ ના આવે ત્યાં સુધી આ રાજ્યોએ પણ સાવધાની અને તકેદારી રાખવાની રહેશે.
પૂર્વ મંજૂરી વિના ટેસ્ટની છૂટ
સમગ્ર ગુજરાતમાં હવેથી કોરોનાના ટેસ્ટ માટે મંજૂરી પણ લેવી પડશે નહીં. એવી જાહેરાત ૧૨મી જૂને કરાઈ હતી. એમડી કે તેથી ઊંચા દરજ્જાના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી લેબમાં કોરોનાના ટેસ્ટ થઈ શકશે. આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ ગુજરાતનાં હેલ્થ કમિશનરે પણ આ સંદર્ભમાં મંજૂરી આપતો એક પરિપત્ર જારી કર્યો હતો. આ નિર્ણયને રાજ્યભરમાંથી લોકો અને તબીબી ક્ષેત્રમાંથી આવકાર મળ્યો હતો આ બધા વચ્ચે નેતા - પ્રધાનો પણ કોરોના પોઝિટિવ આવતાં પ્રજામાં ફફડાટ છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના નારણપુરાના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મેયર બિજલબહેન પટેલે તુલસીના રોપા વિતરણ કરવાનો કાર્યક્રમ તાજેતરમાં યોજતાં વિવાદ થયો હતો, એ પછી આ કાર્યક્રમ ફરી વિવાદમાં આવ્યો છે. નારણપુરા વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર સાધનાબહેન જોશી અને તેમના પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ તાજેતરમાં પોઝિટિવ આવ્યો હોવાથી વિવાદ થયો છે. સાધનાબહેને ૫મી જૂને યોજાયેલા મેયરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. હવે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મેયર સહિતના અન્ય હોદ્દેદારોએ પણ સજાગ થવું પડ્યું છે.