રાજસ્થાન પ્રવેશ વખતે હાર્દિકે ગુજરાતને કહ્યું બાય બાય

Wednesday 20th July 2016 07:07 EDT
 
 

પ્રાંતિજ, હિંમતનગર, શામળાજીઃ હાર્દિક પટેલના છ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે જામીન મળ્યા હોવાથી રવિવારે પોલીસ કાફલો તેને લઈને હિંમતનગર આવી શામળાજી પાસેના રતનપુર પાસેની ગુજરાતની સરહદ પર તે પહોંચ્યો હતો. રાજસ્થાનમાં પ્રવેશતી વખતે હાર્દિક ગુજરાતને બાય બાય કહી છ મહિના બાદ ફરી મળવાનો વાયદો કર્યો હતો. રતનપુર ખાતે ટૂંકા રોકાણ દરમિયાન જણાવ્યું હતું કે, આ આંદોલનમાં સરકાર અને પાટીદારો વચ્ચે સમતુલા જળવાઈ રહે તેવા પ્રયાસ કરીશ.
જેલની બહાર નીકળ્યા બાદ પણ હાર્દિકે જણાવ્યું હતું કે, હું ન્યાયતંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું, પરંતુ હવે આંદોલન બંધ કરું તો મારા જેવો મૂર્ખ કોઇ નહીં, આંદોલન ગાંધીચિંધ્યા માર્ગે ચાલુ રહેશે. જોકે, હવે આંદોલનની કાર્યપદ્ધતિ બદલાશે પરંતુ તેવર એના એ જ રહેશે.
હાર્દિકનું નવું રહેઠાણ
છૂટ્યા પહેલાં હાર્દિક છ મહિના ગુજરાતની બહાર ક્યાં રહેશે તે એડ્ર્સ તેણે કોર્ટમાં એફિડેવિટ દ્વારા રજૂ કર્યુ હતું. તે છ મહિના રાજસ્થાનના ઉદયપુર સ્થિત ઘુજુની બાવડી, ઓરપોર્ટ રોડ, ૧૯૦, શ્રીનાથનગર ખાતે આવેલા પૂર્વ ધારાસભ્યના ફાર્મ હાઉસમાં રહેશે. એડ્રેસ બદલવા માટે તેણે પહેલા કોર્ટની મંજૂરી લેવી પડશે.
પાલનપુર ન જવાયું
પાલનપુર ખાતે રવિવારે હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવનાર હતું. જોકે, તેને અમદાવાદથી જ સીધા રાજસ્થાન લઇ જવાયો હતો. જેથી પાલનપુર આવ્યો નહતો. હવે આગામી સમયમાં વીડિયો કોન્ફરન્સથી પાલનપુરની પ્રજાને સંબોધશે તેમ બનાસકાંઠા પાસના કન્વીનરે જણાવ્યું હતું.
આ અંગે પાટીદાર અનામત આંદોલનના બનાસકાંઠાના કન્વીનર શિવરામભાઇ ફોસી તથા શૈલેષભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘હાર્દિક પટેલને સુરત, અમદાવાદ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં અભૂતપૂર્વ આવકાર મળ્યો. જેથી સરકાર લોકજુવાળ સામે ધ્રુજી જતાં રવિવારે વિરમગામ ખાતે મોટા પોલીસ કાફલા સાથે હાર્દિકને પોલીસની નિગરાનીમાં પાટણ, સિદ્ધપુર અને પાલનપુરનો કાર્યક્રમ રદ કરાવીને ગાંધીનગર માર્ગેથી હિંમતનગર થઇને રાજસ્થાનમાં લઇ ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter