જયપુર-અમદાવાદ: રાજસ્થાનનાં રાજજંગમાં કોંગ્રેસ - ભાજપ પોતાના ધારાસભ્યોને સાચવવાની મથામણમાં છે. ભાજપે ઝાલોર, સિરોહી અને ઉદયપુર વિસ્તારના ૧૨ જેટલાં ધારાસભ્યોને તબક્કાવાર ગુજરાત ખસેડવાની કવાયત કરી અને અન્ય ૬ ધારાસભ્યોને પણ ચાર્ટર્ડ ફ્લાઇટથી ગુજરાત મોકલાયાના અહેવાલ હતા. આ ધારાસભ્યો વસુંધરા રાજે ગ્રૂપનાં હોવાનું મનાય છે.
ગીર-સોમનાથમાં આશ્રય
ભાજપના ધારાસભ્યો પર રાજકીય દબાણ વધતાં ૧૫થી વધુ ધારાસભ્યોને ગુજરાત ખસેડાયાંના સમાચારો વચ્ચે ચાર્ટર્ડ પ્લેનથી આવેલા ભાજપી ધારાસભ્યોને સાસણ-ગીરના એક રિસોર્ટમાં રખાયાંના અહેવાલ હતાં. ૧૦મીના અહેવાલો પ્રમાણે રવિવારના ચોવીસ કલાકમાં ભાજપના ધારાસભ્યોને ૩ સ્થળે ખસેડાયાં હતાં. શનિવારે સાંજે ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં આવેલાં છ ધારાસભ્યોને પોરબંદરથી સોમનાથ લઇ જવાયા અને ‘સાગર દર્શન’ હોટલમાં રખાયાં હતાં. મોડી રાત્રે સોમનાથ દર્શન પછી પ્રાચીમાં એક પૂર્વ ભાજપી ધારાસભ્યના ફાર્મહાઉસમાં લવાયાં ત્યાંથી અન્યત્રે ખસેડાયાં હતાં.
આખરે સાસણમાં વુડસ રિસોર્ટમાં ધારાસભ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આશ્રયી ધારાસભ્ય નિર્મલ કુમાવતે કહ્યું કે, ગેહલોત સરકાર ભૂતકાળના કેસ ઉખેડીને ડરાવે છે તેથી અમે માનસિક સ્વસ્થતા અને શાંતિ માટે અહીં આવ્યા છીએ. રામલાલ શર્માએ કહ્યું કે, શ્રાવણ મહિનો છે તેથી અમે બે દિવસની ધાર્મિક યાત્રાએ છીએ. સોમનાથમાં દર્શન કરીને ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થઈ થવાનું નક્કી છે.
રાજસ્થાન - ભાજપના આશરે ૧૫થી વધુ ધારાસભ્યોને ગુજરાત ખસેડાયાંના ૧૧મી ઓગસ્ટે અંતિમ અહેવાલ હતાં, પણ ગુજરાત ભાજપના દરેક નેતાએ આ મામલે મૌન સેવ્યું છે. જોકે હજુય પણ પાંચેક ધારાસભ્યોને ગુજરાતમાં આશ્રય અપાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આ ઉપરાંત કેટલાંક ભાજપી ધારાસભ્યોને ગાંધીનગર - હિંમતનગર નજીકના રિસોર્ટમાં રખાયાની ચર્ચા છે. આ સાથે વિપક્ષનાં નેતા ગુલાબચંદ કટારિયા આશ્રિત ધારાસભ્યોનાં સતત સંપર્કમાં હોવાનું કહેવાય છે અને ૧૨મીએ તમામને જયપુરમાં એકઠા કરીને તાલીમ અપાશે. તેવા સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં ભાજપના રાજકીય દબાણથી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ રાજસ્થાનમાં રાજકીય આશરો લીધો હતો. હવે ઉલટુ થયું છે. ૧૪મી ઓગસ્ટે વિધાનસભાનું સત્ર છે એ પહેલાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સત્તા માટે મરણિયા પ્રયાસ કરે છે ત્યારે ભાજપે ધારાસભ્યોને ૧૩મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં સલામત સ્થળે રાખવાનું આયોજન કર્યું હોવાનું કહેવાય છે.
હોર્સ ટ્રેડિંગની તમામ ફાઈલો બંધ
રાજસ્થાનમાં કોંગ્રેસ રાજ તોડવાનાં આક્ષેપો - પ્રતિઆક્ષેપોમાં કોંગ્રેસનાં ધારાસભ્યોનાં હોર્સ ટ્રેડિંગનાં તમામ આક્ષેપો પડી ભાંગ્યા છે. ઘટનાની તપાસ કરતાં રાજસ્થાન પોલીસનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ મામલે થયેલી ૩ FIRની ફાઈલો બંધ કરી દીધી છે.
રાજસ્થાનમાં હજી રાજેનો દબદબો
રાજકીય વિશેષજ્ઞોના મત પ્રમાણે રાજસ્થાન ભાજપમાં હજી પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેનો દબદબો છે. રાજે તાજેતરમાં દિલ્હીમાં ભાજપ પ્રમુખ નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યાં હતાં અને રાજસ્થાનમાં રાજકીય સ્થિતિની ચર્ચા કરી હતી.